Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

સંસદનું ચોમાસું સત્ર ૧૮ જુલાઇથી થઇ શકે છે શરૂ : ૧૭ દિવસ ચાલશે સંસદ

મોન્‍સુન સત્ર દેશ માટે ખાસ : દેશને નવા રાષ્‍ટ્રપતિ મળશે

નવી દિલ્‍હી,તા. ૧૫: ભારતીય સંસદનું મોનસૂન સત્ર શરૂ થવામાં હવે થોડા દિવસો બાકી છે. દેશમાં મોનસૂન સત્ર સાથે જ સંસદનું મોનસૂન સત્ર પણ જુલાઇના ત્રીજા અઠવાડિયાથી એટલે કે ૧૮ જુલાઇથી શરૂ થવાની આશા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. આ સત્ર ઓગસ્‍ટના બીજા અઠવાડિયા સુધી ચાલવાની સંભાવના છે. સરકારી સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જોકે આ વિશે હજુ સુધી અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સંસદીય બાબતોના મંત્રીમંડળીય સમિતિ વિભિન્ન સત્રો માટે તારીખોની ભલામન કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં નવા રાષ્ટ્રપતિ ચૂંટણી ૧૮ જુલાઇએ મતદાન થવાનું છે. આ મહત્‍વપૂર્ણ ઇવેન્‍ટને ધ્‍યાનમાં રાખતાં કેન્‍દ્ર સરકારે મોનસૂન સત્ર માટે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સરકારી સૂત્રોના અનુસાર રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્‍યક્ષતાવાળી સંસદીય બાબતોના મંત્રીમંડળીય સમિતિએ ૧૮ જુલાઇથી ૧૨ ઓગસ્‍ટ સુધી સંસદના મોનંસૂન સત્રને ચલાવવાની ભલામણ કરી છે. આ તારીખો પર અંતિમ વિચાર કર્યા બાદ સંસદ સત્ર માટે આ શિડ્‍યૂલ પર મોહર લાગી જશે.

જો ૧૮ જુલાઇથી માંડીને ૧૨ ઓગસ્‍ટ સુધી તારીખો પર સંસદી બાબતોની મંત્રીમંડળીય સમિતિ મોહર લગાવી દે છે તો આ વખતે મોનસૂન સત્ર સંસદમાં ૧૭ દિવસ ચાલશે, કારણ કે આ દરમિયાન ૧૭ દિવસ કાર્યદિવસ રહે છે. આ દરમિયાન સરકાર તરફથી ઘણા બિલ સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. તેમાં બજેટ સત્ર દરમિયાન સંસદીય સમિતિ પાસે મોકલવામાં આવેલા બજેટ સત્રના ચાર બિલ પણ સામેલ છે. 

(10:12 am IST)