Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

છત્તીસગઢ જાંજગીર ચાંપામાં પ દિવસથી ૬પ ફૂટ ઉંડા બોરવેલમાં ફસાયેલા બાળકને હેમખેમ બહાર કઢાયો

સારવાર માટે ગ્રીન કોરિડોર બનાવીને બિલાસપુર અપોલો હોસ્‍પિટલમાં ખસેડાયો

નવી દિલ્‍હી, તા. ૧પ : છત્તીસગઢમાં ૧૦૦ કલાક કરતા પણ વધુ સમયથી ચાલતા રેસ્‍કયૂ ઓપરેશનનો સુખદ અંત આવ્‍યો છે, અને બોરવેલમાં ફસાયેલા રાહુલે મોતને માત આપી દીધી છે. છત્તીસગઢના જાંજગીર ચાંપામાં બોરવેલમાં ફસાયેલા રાહુલનું રેસ્‍કયુ ઓપરેશન પૂરું થઈ ગયું છે. લગભગ ૧૦૪ કલાક સુધી ચાલેલા રેસ્‍કયુ ઓપરેશન બાદ રાહુલને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્‍યો છે. CM ભૂપેશ બઘેલે રાહુલની બહાર થવા પર ખુશી વ્‍યક્‍ત કરી છે. જણાવ્‍યું હતું કે, પડકાર મોટો હતો પરંતુ અમારી રેસ્‍કયુ ટીમે સારું કામ કર્યું. CMOના જણાવ્‍યા અનુસાર રાહુલની હાલત હવે સ્‍થિર છે. એમ્‍બ્‍યુલન્‍સના ડોક્‍ટરે જણાવ્‍યું કે પ્રાથમિક તપાસમાં બીપી, સુગર, હાર્ટ રેટ નોર્મલ છે અને ફેફસાં પણ સાફ છે. રાહુલની સ્‍થળ પર હાજર ડોક્‍ટરની ટીમ દ્વારા તપાસ હાથ ધરાયા બાદ વધુ સારી સારવાર માટે ગ્રીન કોરિડોર બનાવીને અપોલો હોસ્‍પિટલ બિલાસપુર મોકલવામાં આવ્‍યો હતો.

હાલ રાહુલ બિલાસપુર ખાતે અપોલો હોસ્‍પિટલમાં સારવાર હેઠળ છે. સવારે નર્સ દ્વારા તેને નાશ્‍તો કરાવવામાં આવ્‍યો હતો. કલેક્‍ટરના જણાવ્‍યાં મુજબ રાહુલને સાધારણ તાવ છે. રાહુલની સારવાર ચાલુ છે.

મહત્‍વનું છે કે છત્તીસગઢના પિહરીડ ગામમાં એક બાળક ઘરની પાછળ આવેલા ૮૦ ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો હતો. તે લગભગ ૬૫ ફૂટની ઉંડાઈએ ફસાઈ ગયો હતો. જે બાદ તેને ઓક્‍સિજન મળી રહે તે ખાસ વ્‍યવસ્‍થા કરાઈ હતી. બોરવેલમાં ફસાયેલા રાહુલ સાહુને ૧૦૦ કલાકથી વધુ ચાલેલા ઓપરેશન બાદ આખરે તેને બહાર કાઢવામાં સફળતા મળી છે. પાંચ દિવસની મહેનત બાદ ૧૧ વર્ષના રાહુલને બહાર કાઢવામાં આવ્‍યો હતો. તેને બહાર કાઢવા માટે NDRF અને SDRFની ટીમો રાત-દિવસ એક કરી હતી.

રાહુલ જેવો સુરંગમાંથી બહાર આવ્‍યો કે તેણે આંખ ખોલી અને એકવાર ફરીથી દુનિયા જોઈ. આ ક્ષણ બધા માટે ખુબ જ આનંદની હતી. સમગ્ર વિસ્‍તાર રાહુલમય થઈ ગયો. દેશના સૌથી મોટા રેસ્‍કયૂ અભિયાનને કલેક્‍ટર શ્રી જિતેન્‍દ્રકુમાર શુક્‍લાના નેતળત્‍વમાં અંજામ અપાયો. સુરંગ બનાવવાના રસ્‍તામાં વારંવાર મજબૂત પથ્‍થર આવવાથી ૪ દિવસ સુધી ચાલેલા આ અભિયાનને આખરે રેસ્‍કયૂ ટીમે અંજામ આપી રાહુલને એક નવું જીવન આપ્‍યું.

અત્રે જણાવવાનું કે જાંજગીર-ચામ્‍પા જિલ્લાના માલખરૌદા બ્‍લોકના ગામ પિહરીદમાં ૧૧ વર્ષનો બાળક રાહુલ સાહુ તેના ઘરની પાસે ખુલ્લા બોરવેલમાં પડીને ફસાઈ ગયો હતો. ૧૦ જૂનના રોજ બપોરે લગભગ ૨ વાગે અચાનક ઘટેલી આ ઘટનાની જાણ થતા જ જિલ્લા પ્રશાસનની ટીમ કલેક્‍ટર જિતેન્‍દ્રકુમાર શુક્‍લાના નેતળત્‍વમાં તૈનાત થઈ ગઈ. સમયસર ઓક્‍સીજનની વ્‍યવસ્‍થા કરાઈ અને કેમેરા લગાવીને બાળકની ગતિવિધિઓ પર પળેપળની દેખરેખ રાખવામાં આવી રહી હતી. ઈમરજન્‍સી ચિકિત્‍સા વ્‍યવસ્‍થા અને એમ્‍બ્‍યુલન્‍સ પણ તૈનાત કરાયા હતા. સ્‍ટેટ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ટીમ ઉપરાંત NDRF ની ટીમ પણ રેસ્‍કયૂમાં લાગી હતી. સેનાના કર્નલ ચિન્‍મય પારીક પણ પોતાની ટીમ સાથે મિશનમાં લાગ્‍યા હતા.

દેશના સૌથી મોટા રેસ્‍કયૂના પહેલા દિવસે એટલે કે ૧૦ જૂનની રાતે જ રાહુલને મેન્‍યુઅલ ક્રેનના માધ્‍યમથી રસ્‍સી દ્વારા બહાર લાવવાની કોશિશ કરાઈ પરંતુ રાહુલ દ્વારા રસ્‍સી પકડવા માટે કોઈ પ્રતિક્રિયા ન આવતા પરિજનોની સહમતિ અને એનડીઆરએફના નિર્ણય બાદ નક્કી કરાયું કે બોરવેલના કિનારા સુધી ખોદકામ કરી રેસ્‍કયૂ કરવામાં આવે. રાતે લગભગ ૧૨ વાગે ફરીથી અલગ અલગ મશીનથી ખોદકામ કરાયું. ૬૦ ફૂટનું ખોદકામ કરતા પહેલા રસ્‍તો તૈયાર કરાયો. બિલાસપુરથી વધુ ક્ષમતાવાળી ડ્રિલિંગ મશીનો મંગાવવામાં આવી અને પછી ખુબ જ સાવધાની વર્તતા રાહુલ સુધી પહોંચાયું.

(2:43 pm IST)