Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

બોયફ્રેન્‍ડે સાથે આત્‍મહત્‍યા ન કરી તો યુવતીએ કરી દીધો કેસ

આ કપલે સાથે જ જીવવાની અને મરવાની કસમ ખાધી હતી અને બંનેએ પ્રેમ માટે પોતાનું જીવન ખતમ કરવાનો નિર્ણય કર્યો હતો

પ્રયાગરાજ, તા.૧૫: લોકો પ્રેમમાં કોઇ પણ હદ સુધી જાય છે અને તેના વિચિત્ર કિસ્‍સાઓ પણ અવાર નવાર સમાચારમાં આવતા રહે છે. આવો જ એક વિચિત્ર કિસ્‍સો યૂપીમાં સામે આવ્‍યો છે. જેમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક ગર્લફ્રેન્‍ડે પોતાના બોયફ્રેન્‍ડ પર કેસ એટલા માટે કર્યો કારણ કે તેણે તેની સાથે આત્‍મહત્‍યા કરી ન હતી. વાસ્‍તવમાં આ કપલે સાથે જ જીવવાની અને મરવાની કસમ ખાધી હતી અને બંનેએ પ્રેમ માટે પોતાનું જીવન ખતમ કરવાનો નિર્ણય કર્યો હતો.

નૈની બ્રિજ પર પહોંચીને ગર્લફ્રેન્‍ડે નદીમાં છલાંગ લગાવી, પરંતુ બોયફ્રેન્‍ડે કુદકો માર્યો ન હતો. આ જોઈને યુવતીએ તરીને બહાર નીકળીને યુવક સામે કેસ નોંધાવ્‍યો હતો. ૩૨ વર્ષીય પરિણીત મહિલાને ૩૦ વર્ષના એક યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. પરંતુ આ સંબંધમાં કડવાશ ત્‍યારે આવી જ્‍યારે યુવકને કોઈ વાત પર ગુસ્‍સો આવ્‍યો અને તેણે લગ્ન કરી લીધા હતા.

જ્‍યારે તેની ગર્લફ્રેન્‍ડને આ વાતની ખબર પડી તો તે ખૂબ ગુસ્‍સે થઇ ગઇ હતી. મહિલાએ તેના બોયફ્રેન્‍ડ સાથે ઝઘડો ચાલુ રાખ્‍યો હતો અને તેની પત્‍નીને છૂટાછેડા આપવા કહ્યું હતું. આ લડાઈ વચ્‍ચે બંનેએ સાથે મરવાનું નક્કી કર્યું અને જીવ આપવા માટે નદી પરના પુલ પર પહોંચી ગયા. આ દરમિયાન ગર્લફ્રેન્‍ડે નદીમાં છલાંગ લગાવી, પરંતુ બોયફ્રેન્‍ડ નદીમાં કુદયો નહીં અને ત્‍યાંથી નાસી ગયો હતો. પોતાના બોયફ્રેન્‍ડની આ બેવફાઈથી ગુસ્‍સે થઈને મહિલાએ પોતાના પ્રેમી સામે એફઆઈઆર નોંધાવી હતી. પોલીસે મહિલાની ફરિયાદ પરથી હત્‍યાના પ્રયાસનો ગુનો નોંધ્‍યો હતો.

(4:43 pm IST)