Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

પાક.ના અનેક શહેરોમાં ૧૨-૧૨ કલાક વીજ પૂરવઠો ખોરવાય છે

રશિયા-યુક્રેન યુદ્ધની પાકિસ્તાન પર ખરાબ અસર : પાકે. ઈટાલી અને કતારની કંપનીઓ પાસેથી વીજળી ખરીદવાના કરાર કર્યા પણ કંપની સપ્લાય કરવા અસમર્થ

નવી દિલ્હી, તા.૧૫ : રશિયા અને યુક્રેનના યુધ્ધની આકરી  અસર પાડોશી દેશ પાકિસ્તાન પર પડી રહી છે. ભારે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનના ઘણા શહેરોમાં ૧૨-૧૨ કલાક વીજળી પૂરવઠો ખોરવાઈ રહ્યો છે.

પાકિસ્તાને એક દાયકા પહેલા નવી એનર્જી પોલીસિના ભાગરુપે ઈટાલી અને કતારની કંપનીઓને એલએનજી સપ્લાય કરવા માટે કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જોકે રશિયા અને યુક્રેન વચ્ચેના યુધ્ધના કારણે ગ્લોબલ સ્તરે એલએનજીના ભાવ વધી ગયા હોવાથી ઉપરોક્ત કંપનીઓ પાકિસ્તાનને સપ્લાય કરવાની જગ્યાએ બીજી જગ્યાએ ઉંચા ભાવે એલએનજી વેચીને પ્રોફિટ કમાઈ રહી છે.

બીજી તરફ પાકિસ્તાનના પાવલ પ્લાન્ટ અને ફર્ટિલાઈઝર પ્લાન્ટ એલએનજીની શોર્ટેજનો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાનની સરકાર ધમપછાડા કરી રહી છે પણ એલએનજીનો પૂરતો સપ્લાય મળી રહ્યો નથી. જેના પગલે પાવર પ્લાન્ટ ઠપ થઈ રહ્યા છે અને પાકિસ્તાનને ૧૨ કલાકનો વીજળી કાપ મુકવો પડી રહ્યો છે તે પણ એવા સંજોગોમાં જ્યારે પાકિસ્તાનના ઘણા હિસ્સામાં હીટ વેવ ચાલી રહ્યો છે.

વીજળી બચાવવા માટે સરકારી કર્મચારીઓને શનિવારે રજા આપી દેવાય છે. સુરક્ષા કર્મીઓનુ બજેટ ૫૦ ટકા ઓછી કરી દેવાયુ છે અને લગ્ન સમારોહ પર રોક લગાવી દેવાઈ છે. ફર્ટિલાઈઝર પ્લાન્ટનો ગેસ સપ્લાય હાલમાં પાવર પ્લાન્ટને આપવામાં આવી રહ્યો છે.

વીજળીના અભાવે પાકિસ્તાનના ઘણા વિસ્તારમાં મોબાઈલ સર્વિસ પણ ગાયબ થઈ ગઈ છે.

(8:20 pm IST)