Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

સ્વતંત્રતા દિવસે કોરોના સામેની લડાઈમાં મોટા સમાચાર

દેશની પ્રથમ નોઝલ વેક્સીનનું ત્રીજું કલીનીક ટ્રાયલ પૂર્ણ

નવી દિલ્હી:ભારત આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ સ્વતંત્રતા દિવસના અવસર પર દેશને કોરોના સામેની લડાઈમાં મોટી ઉપલબ્ધિ મળી છે. ભારત બાયોટેકે કોરોનાની BBV-154 ઇન્ટ્રાનાસલ વેક્સિનની ત્રીજી ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ કરી છે. જેથી હવે આ રસી બૂસ્ટર ડોઝ તરીકે આપી શકાય છે.

માહિતી અનુસાર BBV-154 ઇન્ટ્રાનાસલ વેક્સીનની પ્રથમ અને બીજી ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી. ટ્રાયલ દરમ્યાન રસી પ્રથમ અને બીજા ડોઝ તરીકે આપવામાં આવી હતી. સફળ પરીક્ષણ પછી તેનું બૂસ્ટર ડોઝ તરીકે પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જોકે બૂસ્ટર ડોઝ એવા લોકોને આપવામાં આવ્યો હતો જેમને કોવિડની બંને રસી મળી હતી.

આ તરફ ત્રીજા તબક્કાના માનવીય ક્લિનિકલ ટ્રાયલ્સનો ડેટા નેશનલ રેગ્યુલેટરી ઓથોરિટીને મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે. પ્રથમ ડોઝ ટ્રાયલ દરમ્યાન કેટલાક સ્તરોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન સલામતી અને રોગપ્રતિકારક શક્તિના દરેક પાસાઓની કાળજીપૂર્વક તપાસ કરવામાં આવી હતી. આ સાથે તેની સરખામણી COVAXINO સાથે કરવામાં આવી હતી. ભારત બાયોટેકે સમગ્ર ભારતમાં 14 સ્થળોએ ટ્રાયલ હાથ ધર્યા હતા.

કંપનીએ કહ્યું હતું કે, ક્લિનિકલ ટ્રાયલના પ્રથમ તબક્કામાં સ્વસ્થ સ્વયંસેવકોને આપવામાં આવેલી રસીની માત્રા સારી રીતે કામ કરી હતી. કોઈ ગંભીર પ્રતિકૂળ ઘટનાઓની જાણ કરવામાં આવી નથી. પૂર્વ-ક્લિનિકલ ટોક્સિસિટી અભ્યાસમાં રસી સલામત, રોગપ્રતિકારક અને સારી રીતે કાર્ય કરતી હોવાનું જણાયું હતું.

નોંધનીય છે કે, Intra Nasal Vaccineના બૂસ્ટર ડોઝનું 9 સ્થળોએ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભારત બાયોટેક દ્વારા નાકથી (કોરોનાની નાકથી રસી) આપવામાં આવશે. કેન્દ્ર સરકારે ગયા વર્ષે મિશન કોવિડ સુરક્ષા શરૂ કરી હતી, જેથી કોરોનાની રસી પર વહેલી તકે કામ થઈ શકે. આ મિશનનું ધ્યાન લોકોને સુરક્ષિત, અસરકારક, સસ્તું અને સુલભ COVID રસી ઉપલબ્ધ કરાવવાનું છે.

(5:34 pm IST)