Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

નોબેલ પુરસ્કાર વિજેતા આંગ સાન સુ કીને ભ્રષ્ટાચારના કેસમાં 6 વર્ષની જેલ

નવી દિલ્હી: સૈન્ય શાસિત મ્યાનમારની એક અદાલતે સોમવારે દેશની હકાલપટ્ટી કરાયેલી નેતા આંગ સાન સુ ચી ને વધુ ચાર ભ્રષ્ટાચારના કેસમાં દોષી ઠેરવી અને તેમને વધારાની છ વર્ષની જેલની સજા ફટકારી છે. આ માહિતી મ્યાનમારના એક કાયદા અધિકારીએ આપી છે. આ કેસની સુનાવણી બંધ રૂમમાં થઈ હતી. આ સાથે સુ કીના વકીલોને કાર્યવાહી વિશે માહિતી જાહેર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 
 
મ્યાનમારની એક અદાલતે સોમવારે તેમના સંબંધિત ચાર વધારાના કેસમાં આ નિર્ણય કર્યો છે. આંગ સાન સુ ચી  બજાર મૂલ્યથી ઓછી જાહેર જમીન ભાડે આપવા  માટે તેમના પદનો દુરુપયોગ કરવાનો આરોપ હતો. તેમને ચારમાંથી દરેક કેસમાં ત્રણ-ત્રણ વર્ષની સજા થઈ હતી, પરંતુ આમાંથી ત્રણ કેસમાં સજા એક સાથે ચાલશે. આ રીતે તેમને વધુ છ વર્ષ જેલમાં રહેવું પડશે.
 
સુ કીએ તેમના પરના આરોપોને નકારી કાઢ્યા છે અને તેમના વકીલો ચુકાદા સામે અપીલ કરી શકે છે. સૈન્યએ તેમની ચૂંટાયેલી સરકારને ઉથલાવી દીધા પછી અને ફેબ્રુઆરી 2021માં તેમની અટકાયત કર્યા પછી સુ કીને રાજદ્રોહ, ભ્રષ્ટાચાર અને અન્ય આરોપોમાં 11 વર્ષની જેલની સજા થઈ ચૂકી છે. નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા સુ કી લશ્કરી શાસનને અવગણવા બદલ ઘણા વર્ષો નજરકેદમાં વિતાવી ચૂક્યા છે.
 
મહત્વનું છે કે, 1 ફેબ્રુઆરી, 2021ના ​​રોજ મ્યાનમારની સેનાએ દેશની સુકાન સંભાળી અને સૂ કી અને મ્યાનમારના ઘણા અગ્રણી નેતાઓને કસ્ટડીમાં લીધા. સુ કીની પાર્ટીએ છેલ્લી સામાન્ય ચૂંટણીમાં જંગી જીત મેળવી હતી. પરંતુ સૈન્યનું કહેવું છે કે, ચૂંટણીમાં મોટાભાગે ગેરરીતિ થઈ હતી. મોનિટરિંગ ગ્રૂપના જણાવ્યા અનુસાર સેનાએ દેશની સુકાન સંભાળી લીધા પછી દેશભરમાં વિરોધ પ્રદર્શનને ડામવા માટે સેના દ્વારા ભયાનક બળના ઉપયોગમાં લગભગ 1800 લોકો મૃત્યુ પામ્યા હતા.

 

(6:24 pm IST)