Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

મહારાષ્ટ્રમાં ફરી એક વખત યુપી, બિહાર અને પ્રાંતીયનો મુદ્દો ગરમાયો : સીએમ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ પોલીસ ફરિયાદ

રાજ્ય બહારથી આવતા લોકોનો રેકોર્ડ રાખવા અને મોનીટરીંગ કરવાના નિર્દેશ સામે વાંધો : ભાજપના ધારાસભ્યે નોંધાવી ફરિયાદ

મુંબઈ : મહારાષ્ટ્રમાં ફરી એક વખત યુપી, બિહાર અને પ્રાંતીય લોકો વિરુદ્ધ વાતાવરણ ઉભું થવા લાગ્યું છે. મુંબઈ સાકીનાકા બળાત્કાર  બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના ગૃહ વિભાગ અને અન્ય મુખ્ય વિભાગો સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે મહિલાઓની સુરક્ષાને લઈને મહત્વની બેઠક યોજી હતી.

આ બેઠકમાં તેમણે નિર્દેશ આપ્યો હતો કે રાજ્ય બહારથી આવતા લોકોના રેકોર્ડ રાખવા જોઈએ, તેનું મોનિટરિંગ થવું જોઈએ. એટલે કે એક રીતે, તેમણે એ જ સૂચના આપી જેની માંગ MNS પ્રમુખ રાજ ઠાકરે કરતા રહ્યા છે. ભાજપના ધારાસભ્ય અતુલ ભાતખલકરએ મુખ્યમંત્રીના આ નિર્દેશ સામે વાંધો ઉઠાવ્યો છે અને મુંબઈના કાંદિવલી પૂર્વ પોલીસ સ્ટેશનમાં ભારતીય ફોજદારી દંડ સંહિતા (IPC)ની કલમ 153-A હેઠળ ફરિયાદ નોંધાવી છે.

ભાજપના નેતા અતુલ ભાતખલકરે આરોપ લગાવ્યો છે કે આમ કરીને મુખ્યમંત્રીએ સમાજના બે વર્ગ વચ્ચે તણાવ પેદા કરવાનો પ્રયાસ કર્યો છે. મુખ્યમંત્રીએ એવી રીતે સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે મુંબઈમાં બળાત્કાર માત્ર અન્ય રાજ્યોમાંથી આવતા લોકોના કારણે વધી રહ્યો છે.

તેમના ધારાસભ્યના સમર્થનમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે માત્ર પરપ્રાંતીય લોકો જ બળાત્કાર કરે છે? મહારાષ્ટ્રમાં રહેતા લોકો ક્યારેય આવો ગુનો કરતા નથી? વિધાન પરિષદમાં વિપક્ષના નેતા પ્રવિણ દારેકરે કહ્યું કે રેકોર્ડ રાખવામાં કોઈ હાનિ નથી, પરંતુ આ બહાને પરપ્રાંતીયોને નિશાન બનાવવા જોઈએ નહીં.

 

અતુલ ભાતખલકરે જણાવ્યું હતું કે “મુંબઈ સાકીનાકા બળાત્કાર કેસ પછી સીએમ ઉદ્ધવ ઠાકરેએ સૂચના આપી છે કે હવેથી પરપ્રાંતીય ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, કોને મળે છે, શું કરે છે, મોનિટરિંગ જરૂરી છે. મને લાગે છે કે કાયદો અને વ્યવસ્થાની ભૂલો છુપાવવા માટે પરપ્રાંતીયો પર આરોપ લગાવવાનો આ પ્રયાસ છે.

તેનાથી સમાજના બે વર્ગો વચ્ચે તણાવ વધશે. ઘણા લોકોને લાગશે કે પરપ્રાંતીયોને કારણે બળાત્કારો વધી રહ્યા છે. તે એક સંયોગ હતો કે આરોપીની અટક ચૌહાણ છે, જો આરોપી ચવ્હાણ હોય તો મુખ્યમંત્રી શું કરતા? પરપ્રાંતના લોકો ડરી ગયા છે. એટલા માટે મેં તેમની વિરુદ્ધ ભારતીય ફોજદારી દંડ સંહિતાની કલમ 153-A હેઠળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ”

અતુલ ભાતખલકરે આગળ કહ્યું "મુખ્યમંત્રીએ કહ્યું કે પરપ્રાંતીયોના કારણે આવી ઘટનાઓ બની રહી છે તો ધનંજય મુંડે કોણ છે? તમારા મંત્રીમંડળના સભ્ય છે ને. સંજય રાઠોડનું શું થયું? છ મહિના થઈ ગયા, હજુ સુધી તપાસ નથી થઈ. અમે દબાણ વધાર્યું, જેથી તમારે તેમનું રાજીનામું લેવું પડ્યું.

મારી પાસે શિવસેનાના અડધો ડઝનથી વધુ પદાધિકારીઓના નામ છે, જેમની સામે બળાત્કારના આરોપો છે. મુંબઈમાં અને મુંબઈની બહાર કેસ ચાલી રહ્યા છે. મુખ્યમંત્રી પાસે આનો કોઈ જવાબ નથી. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે, મુખ્યમંત્રી તેને સંભાળી શકતા નથી માટે તે આવી વાત કરી રહ્યા છે.

(12:00 am IST)