Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

વજન ઘટાડવાની સર્જરી માટે આગળ આવી રહ્યા છે લોકો

ડોકટર્સનું કહેવું છે કે કોરોના વાયરસની ત્રીજી લહેરના ડરથી લોકો પોતાનું વજન ઓછું કરવા માટે સર્જરી માટે આગળ આવી રહ્યા છે કે જેથી સંક્રમણનો ડર રહે નહીં : હવે મેદસ્વી લોકો વજન ઘટાડવા માટે બેરિએટ્રિક સર્જરી કરાવી રહ્યા છે. : મેદસ્વી લોકોમાં ફેટ એટલે કે ચરબી વધારે હોવાથી બીમારી વધી જાય છે : એમ્સમાં દર અઠવાડિયે ૩થી ૪ બેરિએટ્રિક સર્જરી થઈ રહી છે.

નવી દિલ્હી, તા.૧૫: મેદસ્વી લોકો અને ડાયાબિટીસના દર્દીઓ માટે કોરોના વાયરસ ખતરનાક સાબિત થઈ શકે છે. માટે હવે મેદસ્વી લોકો વજન દ્યટાડવા માટે બેરિએટ્રિક સર્જરી કરાવી રહ્યા છે. એમ્સમાં દર અઠવાડિયે ૩ થી ૪ બેરિએટ્રિક સર્જરી થઈ રહી છે. મેદસ્વી અને ડાયાબિટીસના શિકાર થયેલા લોકોમાં કોરોના સંક્રમણ ઘણું વધારે ખતરનાક સાબિત થઈ શકે છે.

અગાઉ આ સર્જરી માટે દર્દીઓનું કાઉન્સેલિંગ કરતા હતા જયારે આજે દર્દીઓ સામે ચાલીને સર્જરી કરાવવા માટે આવી રહ્યા છે અને સર્જરીની ડેટ માગી રહ્યા છે. ડાઙ્ખકટર્સનું કહેવું છે કે કોરોના વાયરસની ત્રીજી લહેરના ડરથી લોકો પોતાનું વજન ઓછું કરવા માટે સર્જરી માટે આગળ આવી રહ્યા છે કે જેથી સંક્રમણનો ડર રહે નહીં.

એમ્સના બેરિએટ્રિક સર્જન ડો. સંદીપ અગ્રવાલે કહ્યું કે મેદસ્વી લોકોમાં કોરોનાના સંક્રમણનો ખતરો વધારે રહેલો છે. જેનાથી આ પ્રકારના દર્દીઓમાં વેન્ટિલેટર પર જવાનો અને મૃત્યુનો ખતરો વધી જાય છે. મેદસ્વી લોકોમાં કોઈપણ ઈન્ફેકશન ખતરનાક હોય છે અને કોરોના વાયરસ તો વધારે જ ખતરનાક સાબિત થઈ શકે છે.

ડોકટર સંદીપે એક રીવ્યુ આર્ટિકલ ટાંકતા જણાવ્યું કે મેદસ્વી લોકોમાં ફેટ એટલે કે ચરબી વધારે હોવાથી બીમારી વધી જાય છે. ત્યારે આ બેરિએટ્રિક સર્જરી કોરોનાકાળમાં સુરક્ષિત છે. પહેલા એવું કહેવાતું હતું કે જે લોકો આ બેરિએટ્રિક સર્જરી કરાવે છે અને જો સર્જરી બાદ તેઓને સંક્રમણ થાય તો વધુ સમસ્યા નડી શકે છે. પણ, હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે આવી કોઈ વાત નથી. આ સર્જરી સુરક્ષિત છે.

બેરિએટ્રિક સર્જરી એક એવી પ્રક્રિયા છે જે વજન ઉતારવામાં મદદરૂપ છે અને ડાયાબિટીસ પણ કંટ્રોલ કરે છે. રિપોર્ટ મુજબ, ૮૦ ટકા લોકોમાં બેરિએટ્રિક સર્જરી બાદ ડાયાબિટીસ કંટ્રોલમાં આવી ગયો છે. ડોકટર સંદીપે કહ્યું કે પહેલા આ બેરિએટ્રિક સર્જરી માટે અમે લોકોનું કાઉન્સેલિંગ કરતા હતા પણ ત્યારે કોઈ તૈયાર થતું નહોતું. હવે કોરોનાકાળમાં લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થતાં બેરિએટ્રિક સર્જરીની તારીખ માગી રહ્યા છે. હવે બેરિએટ્રિક સર્જરીની ડિમાન્ડ બમણી થઈ ગઈ છે. વજન ઘટાડવા માટેની આ સર્જરી અઠવાડિયામાં ૩થી ૪ જેટલી થઈ રહી છે. જે સારા સંકેત છે.

(9:59 am IST)