Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

ઇલેટ્રોનિકસનો ૭૦ ટકા ધંધો ઓનલાઇન વિક્રેતા આંચકી ગયા

મોબાઇલ, ટીવી, ફ્રીઝ, કુલર સહિતની કન્ઝયુમર ગૂડ્સ આઇટમનું ગુજરાતનું વાર્ષિક ટર્ન ઓવર ૧૦ હજાર કરોડની આસપાસ છે : શો-રૂમ ધારકો-દુકાનદારોનો ધંધો હજી જામતો નથી

અમદાવાદ,તા.૧૫:કોરોનાના કપરા કાળમાં મંદીમાં ધકેલાઈ ગયેલા ઉદ્યોગો ધીરે ધીરે ઉપર ઉઠી રહ્યા છે પરંતુ ગુજરાતનો ઓફલાઈન ઇલેકિટ્રક બિઝનેસ ખુબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. તેનો પ્રશ્ન ગ્રાહકો નથી પરંતુ ઓનલાઇન કારોબાર છે. સસ્તામાં ઇલેકટ્રોનિક વસ્તુ ઓનલાઇન પ્લેટફોર્મ ઉપર મળતી હોવાથી ઓફલાઈન પ્લેયરને એટલી મુશ્કેલી આવી પડી છે કે હવે તો ધંધો ૭૦% સુધી ઘટી ગયો છે તેવું ખુદ રિલીફ રોડ ઇલેકિટ્રક એસોસિએશન જણાવે છે.

ગુજરાતનું સૌથી મોટું હોલસેલ અને રિટેલ ઇલેકિટ્રક બજાર એટલે અમદાવાદનું રિલીફ રોડ ઇલેકટ્રોનિક એસોસિએશન. એસોસિએશનના પ્રમુખ મેઘરાજભાઈ દોદવાણી જણાવે છે કે 'હવે ગ્રાહકો ધીરે ધીરે ઇલેકટ્રોનિક દુકાનો તરફ આવે છે, પરિસ્થિતિ સામાન્ય થઇ રહી છે પરંતુ ઓનલાઇનના અમુક પ્લેયરના કારણે ઓફલાઇનના હજારો વેપારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જોતજોતામાં અમારો ઓફલાઈન બિઝનેસ ઘટીને માત્ર ૩૦% રહી ગયો છે, એટલે કે અમારા ધંધામાં ૭૦% જેટલું ગાંબડું પડી ગયું છે.

મેઘરાજભાઈએ અગાઉ કેન્દ્ર અને હવે રાજય સરકારને પણ રજૂઆત કરી છેકે જયારે ભાવની વાત આવે ત્યારે એક હદથી નીચે ન વેચવા દેવું જોઈએ. મોટી ઓનલાઇન કંપનીઓ હાલ નુકસાન કરીને પણ સસ્તું આપે છે પરંતુ સરવાળે ભવિષ્યમાં ગ્રાહકો પાસે વધુ રકમ વસૂલી શકાય તેવી એમની ભાવના હોય છે.

તેમના જણાવ્યા પ્રમાણે વિવિધ ઇલેકટ્રોનિક દુકાનોની સંખ્યા આખા ગુજરાતમાં ૫૦ હજાર જેટલી છે અને ઓનલાઇન પ્લેયર માત્ર બે ડઝન જેટલા જ છે. ગુજરાતમાં વર્ષે માત્ર એલઈડી ટીવીનો બિઝનેસ ૧૫૦૦ થી ૧૮૦૦ કરોડની આસપાસનો છે, છેલ્લા એક વર્ષમાં માત્ર એલઈડીનો વેપાર જ ૭૫% જેટલો ઓફલાઈનથી સરકીને ઓનલાઇન તરફ ગયો છે. આનું કારણ આપણતા તેઓ જણાવે છે કે કંપનીની ખરીદ કિંમત કરતા પણ ઓછા ભાવે વસ્તુ વેંચીને બજાર પર કબ્જો જમાવવા માગે છે. મોનોપોલી ઉભી થઇ ગયા પછી ગ્રાહકો પાસેથી મોં માગ્યા પૈસા લેશે, અને આ દરમિયાન ઇલેકટ્રોનિક દુકાનો ઘણી ખરી બંધ પણ થઇ ગઈ હોઈ તો નવાઈ નહિ.

એસોસિએશને એવી શંકા પણ વ્યકત કરી છે કે આગળ જતા ઓનલાઈન પ્લેયર ઇલેટ્રોનિક આઈટેમના એસેમ્બલ પાર્ટ પણ વેચશે. આના કારણે નાના નાના ઉદ્યોગોને પણ માર પડશે અને પાર્ટ બનાવતી મોટી કંપનીઓ ઓછા માર્જિને મોટો જથ્થો વેંચીને હરિફાઇ કરશે.

સરકારને પણ આ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી છે. મોબાઈલ, ટીવી, ફીઝ, કુલર સહિતની કન્ઝયુમર ગૂડ્સ આઇટમનું ગુજરાતનું વાર્ષિક ટર્ન ઓવર ૧૦ હજાર કરોડની આસપાસ છે અને આમાંથી મોટોભાગ ઓનલાઇન વેપારીઓ પાસે છે. ઓફલાઈન પ્લેયર ઓનલાઇનનો વિરોધ નથી કરતા પરંતુ' તેના ઉપર નિયંત્રણ હો. તો બધા વેપાર કરી શકે અને નાની દુકાનથી લઈને મોટા શોરૂમ લઈને બેઠેલા લોકો ના છૂટકે ધંધો બંધ કરે તેવી નોબત આવી શકે તેમ છે. 

(10:01 am IST)