Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

૧૦ મહિનામાં બે વાર ગર્ભવતી થઈ ૨૩ વર્ષની મહિલાઃ ૩ બાળકોને જન્મ આપ્યો

નવી દિલ્હી,તા.૧૫: તમે એવા અનેક કેસ વિશે સાંભળ્યું હશે કે જયારે કોઈ મહિલાએ એક સાથે ત્રણ કે ચાર બાળકોને જન્મ આપ્યો હોય. પરંતુ આજે અમે તમને એક એવા અનોખા કિસ્સા વિશે જણાવીશું કે જેને જાણીને તમે સ્તબ્ધ થઈ જશો. યુકેમાં રહેતી એક મહિલાએ એક વર્ષમાં ૩ બાળકોને જન્મ આપ્યો. આ મામલો એટલા માટે પણ અનોખો છે કારણ કે મહિલાએ એક જ વખતમાં ટ્રિપલેટ્સને જન્મ નથી આપ્યો પરંતુ તે માત્ર ૧૦ મહિનામાં બે વાર ગર્ભવતી થઈ અને ત્રણ બાળકોને જન્મ આપ્યો.

ધ સનના એક રિપોર્ટ મુજબ ૨૩ વર્ષની શેરના સ્મિથએ વર્ષ ૨૦૨૦માં ૬ જાન્યુઆરીના રોજ પોતાના પહેલા  બાળકને જન્મ આપ્યો. ત્યારબાદ તે ફરીથી ગર્ભવતી થઈ અને ૩૦ ઓકટોબરે જોડકી પુત્રીઓને જન્મ આપ્યો જેમના નામ અલિશા અને અલિઝા છે.

શેરનાએ જણાવ્યું કે જયારે તેમનો પુત્ર Laighton ત્રણ મહિનાનો હતો ત્યારે તેને ખબર પડી કે તે ફરીથી પ્રેગનન્ટ છે. તેણે કહ્યું કે હું મારી બીજી ગર્ભાવસ્થા વિશે જાણીને ચોંકી ગઈ.  કારણ કે મારો પુત્ર ફકત ૩ મહિનાનો હતો. તેમના માટે આ વાત વધુ ચોંકાવનારી ત્યારે બની જયારે તેઓ હોસ્પિટલમા ચેકઅપ માટે પહોંચ્યા અને ડોકટરે તેમને કહ્યું કે તે જોડકા સંતાનની માતા બનવાની છે. આ અનોખો મામલો ડોકટરો માટે પણ ચોંકાવનારો હતો.

શેરનાએ કહ્યું કે ડોકટરોની વાત સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ. મને ખબર ન હતી પડતી કે હું ખુશ થઉ કે દુખી થઉ. કારણ કે થોડા સમય પહેલા જ બાળકોના પિતા અને મારું બ્રેકઅપ થઈ ગયું હતું. હવે અમે સાથે નહતા. જો કે શેરનાના ત્રણેય બાળકો હવે એક વર્ષના થઈ ગયા છે. તે એક પુત્ર અને બે જોડકી પુત્રીઓથી ખુબ ખુશ છે. 

(10:04 am IST)