Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

ઝોમેટોના કો-ફાઉન્ડર ગૌરવ ગુપ્તાનું અચાનક રાજીનામુ : કારણનો ખુલાસો નહીં

નવી દિલ્હી, તા.૧૫:  ફૂડ ટેક કંપની ઝોમેટોમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. કંપનીના સૌથી મોટા અધિકારીઓ પૈકી એક ગૌરવ ગુપ્તાએ રાજીનામું આપી દીધું છે. તેમણે કંપની છોડ્યા હોવાની જાણકારી સૂત્રો દ્વારા સામે આવી છે. ગૌરવે વર્ષ ૨૦૧૫માં ઝોમેટો જોઇન કર્યુ હતું. ત્યાર બાદ વર્ષ ૨૦૧૮માં તેમને પ્રમોશન આપીને ચીફ ઓપરેટિંગ ઓફિસર બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ વર્ષ ૨૦૧૯માં તેમને ઝોમેટોના ફાઉન્ડરનું સ્થાન આપવામાં આવ્યું હતું. ઝોમેટોનો શેર સોમવારે ફલ્ચ્ પર ૦.૯૫ રૂપિયાના વધારા સાથે ૧૪૪.૧૦ રૂપિયા પર અને BSE પર ૦.૯૦ રૂપિયાના વધારા સાથે ૧૪૪.૧૦ રૂપિયા પર બંધ રહ્યો હતો. એટલે કે રાજીનામાની કોઈ જ અસર કંપનીના શેર પર જોવા મળી નથી.

ઝોમેટો આ વર્ષે જ માર્કેટમાં લિસ્ટ થઇ છે. કંપનીનો IPO લોન્ચ કરવામાં ગૌરવે મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. તેવામાં અચાનક ગુપ્તાના રાજીનામાંથી રોકાણકારો અને મીડિયામાં ચર્ચાઓનું બજાર ગરમ થયું છે. થોડા દિવસ પહેલા જ ઝોમેટોએ ગ્રોસરી અને ન્યૂટ્રાસેટિકલ બિઝનેસથી દૂર થવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ ગૌરવના રાજીનામાના સમાચાર સામે આવ્યા.

ઝોમેટોના કો-ફાઉન્ડર દિપેન્દ્ર ગોયલે જણાવ્યું કે, હજુ ખૂબ લાંબો સફર પસાર કરવાનો બાકી છે અને હું આભારી છું કે આપણને આગળ લઇ જવા માટે આપણી પાસે એક શ્રેષ્ઠ ટીમ છે.મળેલી જાણકારી અનુસાર, ફાઉન્ડર દિપેન્દ્ર ગોયલ અને કો-ફાઉન્ડર ગૌરવ ગુપ્તા વચ્ચે થોડા સમય પહેલા વિવાદ સર્જાયો હતો. ગૌરવે શરૂ કરેલા તમામ બિઝનેસ લગભગ બંધ થઇ ચૂક્યા છે. તેની પાછળનું કારણ ગૌરવ ગુપ્તાએ શરૂ કરેલ બિઝનેસ સારૂ પ્રદર્શન ન કરી રહ્યા હોવાનું જણાવાયુ છે.ગુપ્તાએ પોતાના ઇન્ટર્નલ મેઇલમાં કહ્યું કે, છેલ્લા ૬ વર્ષ બાદ તે ઝોમેટોમાં એક નવો અધ્યાય શરૂ કરવા જઇ રહ્યા છે. કંપનીના બ્લોગમાં જણાવ્યા અનુસાર ગુપ્તાએ મેઇલમાં ઝોમેટોના એકિઝક્યુટિવને કહ્યું કે, 'ઝોમેટોને આગળ ધપાવવા હવે આપણી પાસે એક શ્રેષ્ઠ ટીમ છે અને મારા માટે એક નવો વૈકલ્પિક રસ્તો અપનાવવાનો સમય આવી ગયો છે. આ લખતી સમયે હું ખૂબ ભાવુક છું અને મને નથા લાગતું કે હું શબ્દોમાં જણાવી શકું કે હાલ હું કેવું અનુભવી રહ્યો છું.'

(1:11 pm IST)