Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

રાહુલ વૈદ્ય અને ભૂમિ ત્રિવેદીના ગરબાથી વિવાદઃ ગઢવી સમાજ થયો લાલઘૂમ

મોગલ માતા અને મેલડી માતાના ગરબામાં અશ્‍લીલ દ્રશ્‍યો હોવાના કારણે ચારણ સમાજે ઉઠાવ્‍યો વાંધો

મુંબઇ,તા. ૧૫: બોલીવૂડના જાણીતા ગાયક રાહુલ વૈદ્ય અને ભૂમિ ત્રિવેદીના એક ગીતને લઈને વિવાદ ઊભો થયો છે. આ બંને ગાયકોએ ગરબા આધારિત એક ગીત બનાવ્‍યું છે જેમાં મેલડી માતા અને મોગલ માતાનો ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે. મીડિયા અહેવાલો પ્રમાણે ચારણ અને ગઢવી સમાજે આ ગરબા ગીત સામે વિરોધ વ્‍યક્‍ત કર્યો છે. તેમણે આ ગીત પર તાત્‍કાલિક પ્રતિબંધ મૂકવાની માંગણી કરી છે.
પોતાની ગરબા ગીતને લઈને ઊભા થયેલા વિવાદને જોતા રાહુલ વૈદ્યએ માફી માંગી લીધી છે. રાહુલ વૈદ્યએ કહ્યું હતું કે પોતાના ગીતથી જો કોઈની લાગણી દુભાઈ હોય તો તે બદલ તે માફી માંગે છે. આ ઉપરાંત રાહુલ વૈદ્યએ ગીતમાં માતાજીના નામોને દૂર કરવાનું પણ કહ્યું હતું. તેણે કહ્યું હતું કે જેનો વિરોધ થઈ રહ્યો છે તેવા શબ્‍દોને હટાવી દેશે.
ગુજરાતના જાણીતા ગાયક હરીશદાન ગઢવીએ આ અંગે જણાવ્‍યું હતું કે, હાલમાં માતાજીના ગરબા ચાલી રહ્યા છે. આ ગીતમાં મેલડી માતા અને મોગલ માતાના નામે જે ગીત રજૂ કરવામાં આવ્‍યું છે તે દ્યણું જ અશ્‍લીલ છે અને તેનું ચિત્રણ પણ અશ્‍લીલ છે. તેનાથી યુવાનો અને સમાજ પર ખોટી અસર પડે છે. ગરબામાં જે ડાન્‍સ અને કપડા પહેરવામાં આવ્‍યા છે તે દ્યણું જ અશ્‍લીલ છે અને આવા દ્રશ્‍યોને તાત્‍કાલીક હટાવી દેવા જોઈએ તેવી અમારા ગઢવી, ચારણ અને ક્ષત્રિય સમાજની માંગ છે.
તેમણે કહ્યું હતું કે દ્યણા સારા લોકો પણ હોય છે જે ભાવથી માતાજીના ગરબા પર ગીત બનાવતા હોય છે. પરંતુ પાંચ-સાત જણા એવા હોય છે જે સસ્‍તી પ્રસિદ્ધિ માટે કે પછી તેનું મહત્‍વ જાણતા ન હોવાથી આવા ગીતો બનાવતા હોય છે. આનાથી યુવા વર્ગમાં ખરાબ મેસેજ જાય છે. તેથી તેમણે તાત્‍કાલિક માફી માંગવી જોઈએ નહીંતર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
જયારે અનુભા ગઢવીએ જણાવ્‍યું હતું કે, આવા ફાલતું અને વલ્‍ગર ગીતો બંધ કરાવવા જોઈએ. આવા ગીતો સાંભળવા પણ ન જોઈએ અને તેને સપોર્ટ પણ કરવો જોઈએ નહીં. આ લોકો જાણતા નથી કે માતા મોગલ કોણ છે અને તેમના નામનો ઉલ્લેખ કરીને આવા વલ્‍ગર ગીતો બનાવવા તે ફક્‍ત માતાજીનું જ અપમાન નથી પરંતુ સનાતન ધર્મનું પણ અપમાન છે.

 

(10:21 am IST)