Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

વેટ... માત્ર ૫૦ હજારની રિકવરી કરવા હજારો બેંક ખાતા ટાંચમાં લેતા વિવાદ

ઉચ્ચ અધિકારીઓએ રિકવરીનું સ્ટેટસ પૂછતા જ આડેધડ કામગીરી શરૂ : હજારો કરદાતાઓના બેંક એકાઉન્ટ ટાંચમાં મૂકતા વેપારીઓની સામી દિવાળીએ હૈયાહોળી

મુંબઇ તા. ૧૫ : વેટ એસેસમેન્ટ દરમિયાન વેપારી પાસેથી ૨૦થી ૫૦ હજાર રૂપિયા સુધીની વસુલાત કરવાથી બાકી હોવા છતાં કડક રીકવરી કરીને વસુલાત કરવાના બદલે વેપારીઓના બેંક એકાઉન્ટ જ સીઝ કરી દેવાના આદેશ કરતા વિવાદ સર્જાયો છે. કારણ કે વેપારીઓના બેંક ખાતામાં લાખ્ખો અને કરોડો રૂપિયાના વ્યવહાર થતા હોય ત્યારે રીકવરીની રકમ સીઝ કરવાના બદલે આખુ એકાઉન્ટ જ સીઝ કરી દેવાનો ફતવો બહાર પાડતા સામી દિવાળીએ વેપારીઓની હાલત હૈયાહોળી જેવી થઇ છે.

જીએસટી પહેલા અમલમાં રહેલા વેટના કેસનો ઝડપથી નિકાલ કરીને વધુમાં વધુ રીકવરી કરવા માટેનો આદેશ ડિસેમ્બર ૨૦૨૦માં આપવામાં આવ્યો હતો. જયારે કેટલાય કિસ્સામાં અધિકારીઓની આળસને કારણે વેટની રીકવરી હજુ સુધી શકય બની નહીં હોવાનુ ધ્યાને આવતા કયા સુધીમાં વેટ એસેસમેન્ટની રીકવરીની કામગીરી પુરી કરી દેવામાં આવશે તેવો ખુલાસો પુછવામાં આવ્યો હતો. તેના કારણે દોડતા થયેલા અધિકારીઓએ વેપારીઓ પાસેથી કડક રીતે વસુલાત કરવાના બદલે તેઓના બેંક એકાઉન્ટ જ સીઝ કરી દીધા છે.(૨૧.૧૩)

અપીલમાં ગયા છતાં બેંક ખાતા સીઝ કરાયા

વેટ એસેસમેન્ટ દરમિયાન અધિકારીએ વેપારી પાસેથી વસુલાતની રકમ કાઢી હોય તે ભરવા માટે વેપારી તૈયાર નહીં હોય તો અપીલમાં જાય છે. જેથી અપીલમાં સમગ્ર કેસની સુનાવણી કરવામાં આવ્યા બાદ બંને પક્ષના એટલે કે વેપારીના અને વેટ વિભાગ દ્વારા રજુ કરાયેલા પુરાવાને ધ્યાને રાખીને નિર્ણય કરવામાં આવતો હોય છે. જેથી આવા કેસ ચાલતા હોવા છતાં નાણાની વસુલાત કરવા માટે બેંક એકાઉન્ટ સીઝ કરી દીધા હોવાની વિગતો જાણવા મળી છે.

તંત્રે નોટીસ આપવાની પણ દરકાર લીધી નહીં 

વેટ એસેસમેન્ટની કાર્યવાહી કરવામાં આવ્યા બાદ વેપારીને નાણા ભરવા માટે નોટીસ આપવામાં આવતી હોય છે. ત્યાર બાદ પણ નાણા ભરપાઇ નહીં કરે તો વેપારીની ઓફિસ પર જઇને બીજી વખત નોટીસ આપવામાં આવતી હોય છે. જયારે હાલમાં વેપારીઓના ખાતા સીઝ કરવાના કિસ્સામાં આવી કોઇ પણ કાર્યવાહી કયાં વિના સીધા બેંક એકાઉન્ટ જ સીઝ કરી દેવામાં આવતા વેપારીઓની હાલત કફોડી બની છે.

વસૂલાત કરવાની રકમ પૂરતી જ કાર્યવાહી થવી જોઇએ

વેટ એસેસમેન્ટ દરમિયાન વેપારી પાસેથી જે નાણાની વસૂલાત કરવાની હોય તેટલા જ નાણા પુરતુ બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવવુ જોઇએ. જયારે ખાતામાં એકાદ કરોડ રૂપિયા હોય તેમ છતાં ૫૦ હજાર રૂપિયાની વસુલાત કરવા માટે આખુ ખાતુ સીઝ કરી દેવામાં આવે તો વેપારીએ આપેલા ચેક રીટર્ન થતા હોય છે. તેના કારણે વેપારી શાખની સાથે સાથે વેપાર પર સીધી અસર પડતી હોય છે. જેથી આવી કાર્યવાહી કરતા પહેલા વેપારીને છેલ્લી નોટીસ પણ આવવી જોઇએ.

- પાવન શાહ, ટેકસ કન્સલટન્ટ

(12:02 pm IST)