Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

જમ્મુ-કાશ્મીરમાં આતંક ફેલાવા પર આતંકી સંગઠનો વચ્ચે ચર્ચા

આઈએસઆઈ-આતંકી સંગઠનના નેતાઓની બેઠક : બેઠકમાં કાશ્મીરમાં વધારેમાં વધારે ટાર્ગેટ કિલિંગ કરવાનું નક્કી કરયું હોવાની ગુપ્તચર એજન્સીને માહિતી મળી

નવી દિલ્હી, તા.૧૫ : પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને અનેક આતંકવાદી સંગઠનોના લીડર્સ વચ્ચે તાજેતરમાં બેઠક યોજાઈ હતી. એક અહેવાલ પ્રમાણે પીઓકેના મુઝફ્ફરાબાદ ખાતે આ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારત અને જમ્મુ કાશ્મીરમાં કઈ રીતે આતંક ફેલાવી શકાય તેને લઈ ચર્ચા થઈ હતી. ભારતીય ગુપ્તચર એજન્સીના સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે ૨૧ સપ્ટેમ્બરના રોજ આઈએસઆઈના ઓફિસર્સ અને આતંકવાદી સંગઠનો વચ્ચે ખૂબ જ ગોપનીય બેઠક થઈ હતી. આ બેઠકને લઈ ભારતીય ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કરેલું છે. જાણવા મળ્યા મુજબ આઈએસઆઈ અને આતંકવાદીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં જમ્મુ કાશ્મીરમાં મોટા પાયે આતંકવાદી હુમલો કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે. બેઠકમાં કાશ્મીરમાં વધારેમાં વધારે ટાર્ગેટ કિલિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ટાર્ગેટ કિલિંગ અને હુમલાઓની જવાબદારી લેવા માટે નવા નવા નામોથી આતંકવાદી સંગઠનો તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ સંગઠનો હુમલાઓની જવાબદારી સ્વીકારીને તપાસ એજન્સીઓને ગુમરાહ કરશે. મીટિંગમાં પોલીસના ખબરીઓ, સુરક્ષા દળો સાથે કામ કરનારાઓ, ગુપ્તચર વિભાગોમાં કામ કરતા કાશ્મીરીઓની હત્યા કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

તે સિવાય જમ્મુ કાશ્મીરમાં બિન કાશ્મીરી લોકો, ભાજપ-સંઘ સાથે સંકળાયેલા લોકોને ટાર્ગેટ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. આઈએસઆઈ દ્વારા ૨૦૦ પ્રાથમિક લોકોનું હિટ લિસ્ટ બનાવવામાં આવેલું છે જેમની હત્યા દ્વારા સનસનાટી મચાવવા પ્રયત્ન કરવામાં આવશે. તેમાં કાશ્મીરી પંડિતોના નામ પણ સામેલ છે જે પંડિતોની ઘરવાપસીને લઈ સક્રિય છે. હત્યાઓ માટે એવા આતંકવાદીઓનો ઉપયોગ કરવામાં આવશે જે હજુ સુધી સુરક્ષા દળોની નજરમાં નથી આવેલા. આ માટે મોટી સંખ્યામાં એવા કાશ્મીરીઓનો ઉપયોગ કરવામાં આવશે જે આતંકવાદીઓના હમદર્દ છે પરંતુ લાંબા સમયથી કોઈ ઘટનામાં સામેલ નથી રહ્યા.

(7:17 pm IST)