Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

પચાસ લાખના ઈનામવાળા નક્સલી અક્કી રાજુનું મોત

છત્તીસગઢના બસ્તરમાં નક્સલીઓને મોટો આંચકો : નક્સલી બિમારી સામે ઝઝૂમતો હતો, અક્કી ઉપરાંત અન્ય બે મોટા નક્સલી નેતાના મોતના સમાચાર પણ છે

રાયપુર, તા.૧૫ : છત્તીસગઢના બસ્તરમાં નક્સલીઓને મોટો ઝટકો લાગ્યો છે. નક્સલીઓના સેન્ટ્રલ કમિટી સદસ્ય અક્કી રાજુનુ મોત નીપજ્યુ છે. અક્કી રાજુ પર પચાસ લાખ રૂપિયાનુ ઈનામ જાહેર હતુ. અક્કીના મોતની પુષ્ટિ બસ્તર આઈજી સુંદરરાજ પી એ કરી છે. તે છેલ્લા કેટલાય દિવસથી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યો હતો. હાલ પોલીસ પણ અક્કીના મોત વિશે જાણકારી એકઠી કરી રહી છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર દક્ષિણ બસ્તર એટલે કે દંતેવાડા, બીજાપુર અને સુકમા જિલ્લાના સરહદી વિસ્તારમાં નક્સલી નેતા અક્કી રાજુનુ નિધન થયુ છે. અક્કી સિવાય નક્સલીઓના વધુ બે મોટા નેતાઓના પણ મોત થવાના સમાચાર છે. જોકે, હજુ આમના નામ અને મોતનુ કારણ જાણવા મળ્યુ નથી.

છેલ્લા કેટલાક મહિનાઓમાં કેટલાય મોટા નક્સલી નેતાઓના મોત થયા છે. તાજેતરમાં જ ૧૫ લાખના ઈનામી નક્સલીએ પણ બીમારીના કારણે અંતિમ શ્વાસ લીધો હતો. કોરોનાથી પણ કેટલાક નક્સલી નેતાઓના જીવ ગયા છે.

 ૧૦ જૂને નક્સલી કટ્ટી મોહન રાવ ઉર્ફે દામૂ દાદા, ૨૧ જૂને નક્સલીઓના સેન્ટ્રલ કમિટી સમિતિ અને ૪૦ લાખ રૂપિયાના ઈનામી હરિભૂષણ અને ૨૨ જૂને મહિલા નક્સલી ભારતક્કાનુ મોત નીપજ્યુ હતુ.

(7:20 pm IST)