Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

નવજોતસિંહ સિદ્ધુએ કરી રાહુલ ગાંધી સાથે મુલાકાત

આ પહેલા ટોચના નેતાઓ સાથે કોંગ્રેસ મુખ્યાલય પર સવા કલાક સુધી ચાલેલી બેઠકમાં પંજાબ સરકાર અને સંગઠન સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા થઈ

નવી દિલ્હી : પંજાબમાં કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપી ચૂકેલા નવજોત સિદ્ધુ એ  શુક્રવારે પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી. તેના એક દિવસ પહેલા જ તેમને કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે.સી.વેણુગોપાલ અને પંજાબ પ્રભારી રહીશ રાવત સાથે મુલાકાત કરી હતી અને તે મુદ્દાઓ સાથે વરિષ્ઠ નેતાઓને અવગત કરાયા હતા, જેને લઈને તેમને પદ છોડ્યુ હતું. સુત્રોનું કહેવું છે કે રાહુલ ગાંધીને મળ્યા બાદ સિદ્ધુના રાજીનામા સાથે સંબંધિત ચર્ચા સમાપ્ત થઈ શકે છે અને સિદ્ધુ તેમના પદ પર રહી શકે છે.

રાજીનામાંની જાહેરાત બાદ સિદ્ધુએ પ્રથમવખત કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી છે. સુત્રો મુજબ ગુરૂવારે કોંગ્રેસ મુખ્યાલય પર લગભગ સવા કલાક સુધી ચાલેલી બેઠકમાં પંજાબ સરકાર અને સંગઠન સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી અને સહમતિ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જેથી ચૂંટણી પહેલા પુરી પાર્ટી એકજૂટ થઈને મેદાનમાં ઉતરી શકે.

સુત્રોએ જણાવ્યું કે હાલમાં પ્રદેશ કોંગ્રસ કમિટીના નેતૃત્વમાં ફેરફારની શક્યતા ઓછી છે, કારણ કે વિધાનસભા ચૂંટણીમાં થોડા મહિનાની વાર છે. કોંગ્રેસ હાઈકમાન્ડ સિદ્ધુના રાજીનામા અંગે અને પક્ષ માટે સન્માનજનક નિર્ણય લઈ શકે છે, એવું માનવામાં આવે છે કે ‘બહુ જલ્દી’ નિર્ણય લેવામાં આવી શકે છે.

(10:49 pm IST)