Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

IPL 2021: ઋુતરાજ ગાયકવાડને નામે ઓરેન્જ કેપ : 2 રનના અંતરે સૌથી યુવાન વયે જીતી કેપ

ફાફ ડુ પ્લેસિસએ 633 રન બનાવ્યા અને ઋતુરાજ ગાયકવાડે 635 રન બનાવીને ઓરેન્જ કેપ કબજે કરી

મુંબઈ :ઓરેન્જ કેપનો વિજેતા આખરે ઇન્ડીયન પ્રીમિયર લીગ 2021ની અંતિમ મેચમાં નક્કી થયો છે. ઋતુરાજ ગાયકવાડે સૌથી વધુ રન બનાવ્યા અને ઓરેન્જ કેપ જીતી છે. ઋતુરાજે ઓરેન્જ કેપ માત્ર 2 રનથી જીતી હતી. ઋતુરાજ ગાયકવાડને તેના જ સાથી ખેલાડી ફાફ ડુ પ્લેસિસ તરફથી આકરી ટક્કર મળી હતી, જેણે 633 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડે 635 રન બનાવીને ઓરેન્જ કેપ કબજે કરી હતી.

અંતિમ મેચમાં ડુ પ્લેસિસે 59 બોલમાં 86 રન બનાવ્યા હતા અને તે માત્ર 2 રનથી ઓરેન્જ કેપ જીતવામાં ચૂકી ગયો હતો. બીજી બાજુ ચેન્નાઈની ઈનિંગ સમાપ્ત થયા બાદ ઋતુરાજ ગાયકવાડે દિલ જીતી લેનાર નિવેદન આપ્યું હતું. ઋતુરાજ ગાયકવાડે કહ્યું કે, તે ઓરેન્જ કેપ જીતવા માંગતો નહોતો. તે ઈચ્છતો હતો કે ડુ પ્લેસિસ છેલ્લા બોલ પર સિક્સર ફટકારી દે. તમને જણાવી દઈએ કે ડુ પ્લેસિસ છેલ્લા બોલ પર કેચ આઉટ થયો હતો. જો તેનો શોટ 6 રન માટે ગયો હોત તો ઓરેન્જ કેપ તેના નામે હોત.

ઋતુરાજે હર્ષ ભોગલે સાથેની વાતચીતમાં કહ્યું, ‘હું ઈચ્છતો હતો કે ડુ પ્લેસિસ છેલ્લા બોલ પર સિક્સર ફટકારશે કારણ કે તે ટીમ માટે વધુ મહત્વનો હોત. તમને જણાવી દઈએ કે ઋતુરાજ ગાયકવાડે ઓરેન્જ કેપ જીતીને ઈતિહાસ રચ્યો છે. તે ઓરેન્જ કેપ જીતનાર IPL ના ઇતિહાસમાં સૌથી યુવા ખેલાડી છે. ઋતુરાજે માત્ર 24 વર્ષ, 257 દિવસની ઉંમરે ઓરેન્જ કેપ જીતી છે.

ગાયકવાડે 24 વર્ષ, 328 દિવસની ઉંમરે ઓરેન્જ કેપ જીતનાર શોન માર્શનો રેકોર્ડ તોડ્યો હતો. વિરાટ કોહલીએ 27 વર્ષ 206 દિવસની ઉંમરે ઓરેન્જ કેપ કબજે કરી હતી. તમને જણાવી દઈએ કે ગાયકવાડ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે. માઇકલ હસીએ 2013 માં ચેન્નાઇ માટે આઇપીએલમાં સૌથી વધુ 733 રન બનાવ્યા હતા.

(11:04 pm IST)