Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

ટ્રાફિકના ભંગ બદલ ૧ લાખ ૧૩ હજારનો દંડ ફટકારાયો

નવા કાનૂનોના ભંગ કરવા પર મોટો દંડ ફટકાર્યો : મોટર વ્હીકલ કાનૂન ૨૦૧૯ અંતર્ગત વાહન પર લગાવેલા દંડમાં સૌથી મોટી રકમ માનવામાં આવી રહી છે

ભોપાલ,તા.૧૫ : નવા મોટર વ્હીકલ એક્ટના નવા કાનૂનોના ભંગ કરવા પર રાયગઢ (છત્તીસગઢ) જિલ્લામાં ક્ષેત્રીય પરિવહન કાર્યાલયે મધ્ય પ્રદેશના એક વ્યક્તિ પર મોટો દંડ ફટકાર્યો છે. છત્તીસગઢમાં સંશોધિત મોટર વ્હીકલ કાનૂન ૨૦૧૯ અંતર્ગત કોઈપણ બે પૈડાના વાહન પર લગાવેલા દંડમાં આ સૌથી મોટી રકમ માનવામાં આવી રહી છે. નિયમના ભંગ કરનાનું નામ પ્રકાશ બંજારા બતાવવામાં આવી રહ્યું છે. તે મધ્ય પ્રદેશના મંદસૌર જિલ્લાના અમરપુરા ગામનો રહેવાસી છે. આ વ્યક્તિ બાઇક પર પાણી સંગ્રહ કરનાર ડ્રમ વેચી રહ્યો હતો. રાયગઢ શહેરના ડીઆઈબી ચૌક પાસે ટ્રાફિક પોલીસે કાગળ જોવા માટે તેને રોક્યો હતો. પરિવહન વિભાગના અધિકારીઓએ પોલીસકર્મીઓ સાથે તેની કાગળની તપાસ કરી હતી.

       પરિવહન વિભાગ દ્વારા જે ચલણ આપવામાં આવ્યું છે તેના મતે પ્રકાશ હેલ્મેટ વગર બાઇક ચલાવી રહ્યો હતો અને વાહન રજિસ્ટ્રેશન નંબર પણ ન હતો. તેણે મધ્ય પ્રદેશમાંથી બાઇક ખરીદ્યું હતું અને ગાડીનું રજિસ્ટ્રેશન કરાવ્યા વગર પાણીના ડ્રમ વેચવા માટે રાયગઢ ગયો હતો. રજિસ્ટ્રેશન નંબર, વીમાના કાગળ અને ડ્રાઇવિંગ લાયસન્સ વગર ગાડી ચલાવવા અને હેલ્મેટ ન પહેરવા બદલ પરિવહન વિભાગે તેની ઉપર ૧,૧૩૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જેમાં ૧૦૦૦ રૂપિયા હેલ્મેટ ના પહેરવા પર, ૨૦૦૦ રૂપિયા ગાડીના વીમો ના કરાવવા પર, ૫૦૦૦ રૂપિયાનો દંડ ગાડીનું રજિસ્ટ્રેશન ના કરાવવા પર અને ૫૦૦૦ રૂપિયા દંડ વૈધ ડ્રાઇવિંગ લાયસન્સ ના હોવા પર આપ્યો છે.

(12:00 am IST)