Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

કોરોના વેક્સીન માટે વોટરકાર્ડથીબનશે લિસ્ટ : 'સંપૂર્ણ સહાય'ની ચૂંટણી પંચએ આપી ખાત્રી

ચૂંટણી પંચે તેનો ઈલેક્શન કાર્ડનો ડેટા પૂરો પાડવા મંજૂરી આપી : રસીકરણ બાદ ડેટા ડીલીટ કરવા પણ સૂચના

નવી દિલ્હી: દેશમાં શનિવારથી રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે ત્યારે કોરોનાના રસીકરણ અભિયાન માટે મતદાન મથક સ્તરે લાભાર્થીઓને ઓળખી કાઢવા માટે સરકાર 'સંપૂર્ણ સહાય'ની ચૂંટણી પંચે ખાતરી આપી છે.

સરકારને સહાયના ભાગરૂપે ચૂંટણી પંચે તેનો ઈલેક્શન કાર્ડનો ડેટા પૂરો પાડવા મંજૂરી આપી છે. જોકે, આ સાથે ચૂંટણી પંચે સ્વાસ્થ્ય મંત્રાલયને રસીકરણ અભિયાન પૂરું થયા પછી તેમણે આ ડેટા ડીલીટ કરી નાંખવાની પણ સૂચના આપી છે તેમ સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ ગયા વર્ષે ૩૧મી ડિસેમ્બરે ચૂંટણી કમિશનર સુનિલ અરોરાને મતદાન મથક સ્તરે ૫૦ વર્ષથી વધુ વયના લોકોને ઓળખી કાઢવામાં મદદરૂપ થવા પત્ર લખ્યો હતો.

ડેટા સલામતીના મુદ્દે ગૃહસહિચવે ચૂંટણી પંચને સાયબર સિક્યોરિટીની પૂર્ણ ખાતરી આપી હતી. તેમણે ચૂંટણી પેનલને એવી પણ ખાતરી આપી હતી કે ચૂંટણી કમિશનના ડેટાનો ઉપયોગ માત્ર રસીકરણના હેતુથી જ કરાશે. ચૂંટણી પંચે ગૃહસચિવને ૪થી જાન્યુઆરીએ જવાબ આપતાં જણાવ્યું હતું કે, રસીકરણ અભિયાનમાં સરકારને સંપૂર્ણ સહાય કરવાનો તેમણે નિર્ણય કર્યો છે. પરંતુ સરકારે ડેટાનો મર્યાદિત હેતુ માટે જ ઉપયોગ કરવાની અને રસીકરણ અભિયાન પૂરું થઈ ગયા પછી ડેટા ડીલીટ કરવાની ખાતરી આપવી પડશે.

ચૂંટણી પંચની મંજૂરીના પગલે હવે કેટલાક વરિષ્ઠ ચૂંટણી અધિકારીઓ કેન્દ્રીય ગૃહમંત્રીના નોડલ અધિકારીઓના સંપર્કમાં રહેશે અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દૈનિક સમસ્યાઓનો ઉકેલ લાવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. કોરોનાના રસીકરણ અભિયાનની માર્ગદર્શિકા મુજબ ૫૦ વર્ષથી વધુ વયના લોકોની વસતીને ઓળખી કાઢવા માટે લોકસભા અને વિધાનસભાની તાજેતરની ચૂંટણીઓના ડેટાનો ઉપયોગ કરાશે. લાભાર્થીઓની ઓળખ માટે મતદાર ઓળખ કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, પાસપોર્ટ અને પેન્શન દસ્તાવેજો સહિત ૨૦ પ્રકારના ઓળખ દસ્તાવેજોને માન્ય ગણાશે.

(12:35 pm IST)