Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

રસીકરણ પહેલા જ દેશમાં કોરોનાના કેસમાં ઘટાડોઃ ૨૪ કલાકમાં ૧૫ હજાર નવા કેસ નોંધાયા

મહારાષ્ટ્ર અને કેરળને બાદ કરતા એક પણ રાજયમાં ૨૪ કલાકમાં એક હજાર કરતા વધારે પોઝિટિવ કેસ નોંધાયા નથી

નવી દિલ્હી, તા.૧૬: આજથી દેશમાં કોરોના વેકસીનના અભિયાનની શરૂઆત થઈ રહી છે. એ પહેલા સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૫,૧૫૮ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા ૧,૦૫,૪૨,૮૪૧ પહોંચી છે. હાલ દેશમાં ૨,૧૧,૦૩૩ સક્રિય કેસ છે.

દેશમાં અત્યારસુધી કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ સાજા થયેલા લોકોની સંખ્યા ૧,૦૧,૭૯,૭૧૨ થઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૬,૯૭૭ લોકો સાજા થયા છે. દેશમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૬.૬ ટકા થયો છે. છેલ્લા કલાકમાં દેશમાં કોરોનાથી ૧૭૫ લોકોનાં મોત થાય છે. આ સાથે જ દેશમાં કોરોનાથી જીવ ગુમાવનાર લોકોની કુલ સખ્યા ૧,૫૨,૦૯૩ પર પહોંચી છે. દેશમાં હાલ કોરોનાથી મૃત્યુદર ૧.૪ ટકા છે.

છેલ્લા ૨૪ કલાકમાં કેરળમાં ૫,૬૨૪ નવા કેસ નોંધાયા છે. જયારે ૨૩ લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩,૧૪૫ કેસ નોંધાયા છે. અહીં કોરોનાથી ૪૫ લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્રમાં અત્યારસુધી કોરોનાથી ૫૦ હજારથી વધારે લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્ર અને કેરળના બાદ કરતા એક પણ રાજયમાં ૨૪ કલાકમાં એક હજાર કરતા વધારે પોઝિટિવ કેસ નોંધાયા નથી.

રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૫૩૫ કેસ નોંધાયા છે. જેની સામે ૭૩૮ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં કોવિડ-૧૯ના કારણે ૩ દર્દીનાં મોત થયા છે. રાજયમાં કુલ મૃત્યુઆંક ૪,૩૬૦ થયો છે. રાજયમાં સાજા થવાનો દર ૯૫.૬૦ ટકા છે. ગુજરાત સરકારે શુક્રવારે આ માહિતી આપી હતી. આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજયમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં ૧૦૯, સુરતમાં ૯૪, વડોદરામાં ૧૦૧, રાજકોટમાં ૭૮, જૂનાગઢમાં ૧૯, ગાંધીનગરમાં ૧૫, દાહોદમાં ૧૨, કચ્છ, જામનગરમાં ૧૧, મોરબીમાં ૧૦-૧૦, ખેડામાં ૯, આણંદ, ગીર સોમનાથમાં ૬-૬ સહિત કુલ ૫૩૫ કેસ નોંધાયા છે.

૨૪ કલાકમાં રાજયમાં કોરોનાના કારણે ૩ દર્દીઓના મોત થયા છે. અમદાવાદ, રાજકોટ અને સુરતમાં ૧-૧ દર્દીનું મોત થયું છે. બીજી તરફ અમદાવાદમાં ૧૮૫, સુરતમાં ૧૪૪, વડોદરામાં ૬૪, રાજકોટમાં ૯૧, કચ્છમાં ૪૭, આણંદમાં ૨૬, નર્મદામાં ૨૦, જામનગરમાં ૧૬, સાબરકાંઠામાં ૧૫ સહિત ૭૩૮ દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

(2:49 pm IST)