Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ગુજરાતી સિનિયર સિટીઝનોને ટાર્ગેટ બનાવતી ૩ બહેનોની ગેંગ

સારિકા - મીના - સુજાતા બહેનોની ગેંગ ડુપ્લીકેટ ચાવી બનાવવામાં માહેર છે : ૮-૮ પોલીસ થાણામાં ગુન્હા નોંધાયેલા છે : ત્રણેય સગી બહેનોની ધરપકડ

રાજકોટ તા. ૧૬ : મુંબઇની મુલુંડ પોલીસે ૬૦ વર્ષ ઉપરના સિનિયર સિટીઝનોના ઘરને ટાર્ગેટ કરતી ત્રણ સગી બહેનોની ઘરફોડીના કેસમાં ધરપકડ કરી છે. કુર્લામાં રહેતી આ બહેનોએ મુલુંડ - વેસ્ટમાં આરઆરટી રોડ પર આવેલા હંસ લક્ષ્મી બિલ્ડીંગમાં રહેતા રમણીકલાલ પારેખ તેમના પત્ની સાથે દેરાસર દર્શન કરવા ગયા હતા ત્યારે તેમના ઘરમાંથી અઢી લાખના દાગીના અને રોકડની ચોરી કરી હતી. જોકે ગણતરીના સમયમાં જ આ કેસને સોલ્વ કરીને મુલુંડ પોલીસે આરોપીઓને ઝડપી લઇ તેની પાસેથી દાગીના અને રોકડ કબ્જે લીધેલ છે.

હંસ લક્ષ્મી બિલ્ડીંગમાં રહેતા રમણીકભાઇ અને તેમના પત્નીએ મુલુંડ પોલીસ - સ્ટેશનને જાણ કરતા તેઓએ ઘટના સ્થળે આવી અજ્ઞાત વ્યકિત વિરૂધ્ધ ફરીયાદ નોંધી હતી. ત્યારબાદ મુલુંડ પોલીસ - સ્ટેશનના અધિકારીઓએ તપાસ કરી સારિકા ઇંગલે, મીના ઇંગલે અને સુજાતા ઇંગલે નામની ત્રણ સગી બહેનોની ધરપકડ કુર્લાથી કરી હતી.

મુલુંડ પોલીસ - સ્ટેશનના ઇન્વેસ્ટીગેટીંગ અધિકારીએ કહ્યું હતું કે, તપાસમાં અમને ધ્યાનમાં આવ્યું કે ચોરી કરનારે દરવાજાનું તાળુ તોડયું નહોતું. પારેખ પરિવાર રોજ દરવાજાને લેઝ મારીને અને બહારથી કડી મારીને દેરાસરે જતા હતા. એ વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ અમે તપાસ્યા તો એક શંકાસ્પદ મહિલા અમને દેખાઇ. તેના પર નજર રાખતા અમને ખબર પડી કે તેની સાથે બીજી બે મહિલા પણ છે. ત્યારબાદ તેમના સીસીટીવી કેમેરાના ફૂટેજ અમે બીજા પોલીસ સ્ટેશન સાથે શેર કર્યા તો ખબર પડી કે તેમની વિરૂધ્ધ તો પંતનગર પોલીસ સ્ટેશનમાં કેસ ઉભો છે અને અત્યારે તેઓ જામીન પર છે.

તરત જ અમે તેમને પકડીને પૂછપરછ શરૂ કરી. અમારી પૂછપરછ દરમિયાન તેમણે આ ચોરી કરી હોવાનું કબૂલ કર્યું હતું. તેમની પાસે કોઇ પણ લેઝ ખોલવા માટે આઠેક ડુપ્લીકેટ ચાવી છે અને એની મદદથી જ તેઓ આ કામને અંજામ આપતા હતા. તપાસમાં અમને જાણવા મળ્યું કે તેઓ ખાસ કરીને સિનીયર સિટિઝનો (મોટી ઉંમરના લોકો)ના ઘરને જ ટાર્ગેટ કરતા હતા. આ કેસમાં પણ તેમણે પારેખ પરિવાર પર ત્રણેક દિવસ નજર રાખી હતી. મુંબઇમાં આઠ પોલીસ સ્ટેશનમાં આ ત્રણ સગી બહેનોની મહિલા ગેંગ વિરૂધ્ધ કેસો છે.

(10:50 am IST)