Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ચીનાઓ ફિંગર ૪થી પાછા હટી ગયા : ફિંગર ૫ થી ૮ વચ્ચેના કામચલાઉ શેલ્ટર દૂર કર્યા

નવી દિલ્હી તા. ૧૬ : ભારત ચીન વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી સરહદ પર તણાવ ચાલી રહ્યો છે. ત્યારે ઘણા મહિનાના સંઘર્ષ બાદ એલએસી પર સ્થિતિ સામાન્ય થતી દેખાઇ રહી છે. બને દેશો તરફથી હવે સ્થિતિને પહેલા જેવી સામાન્ય કરવા માટે પ્રયાસો તેજ બન્યા છે. મળતી માહિતિ પ્રમાણે પૂર્વી લદ્દાખમાં પૈંગોંગ તળાવ નજીક ફિંગર ૪ એરિયાથી ચીની સૈનિકો પાછળ હટી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પૈંગોંગ તળાવના ઉત્ત્।રી કિનારા પર આવેલી મહત્વપૂર્ણ પહાડી વિસ્તાર પર ચીની સૈનિકોએ કબ્જો કર્યો હતો.

સૂત્રો પાસેથી મળતી માહિતિ પ્રમાણે ફિંગર ૪ એરિયામાં ચીની સૈનિકોની સંખ્યા ઘટી ગઇ છે. ચીને ફિંગર ૫ અને ફિંગર ૮ વચ્ચે પોતાના અસ્થાયી શેલ્ટર બનાવ્યા હતા, તેને પણ દૂર કરી દીધા છે. અધિકારીઓએ એ પણ કહ્યું કે તણાવના સમયમાં વધારાની હોડીઓ માટે જે સ્થાન બનાવવામાં આવ્યા હતા, તેને પણ દૂર કરવામાં આવ્યા છે. હવે આ પ્રકારના તમામ નિર્માણ ફિંગર ૮ પછી દેખાઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ફિંગર ૮ સુધીના વિસ્તાર પર ભારત પોતાનો દાવો કરે છે.

ચીની સેના દ્વારા થઇ રહેલી પીછેહઠ વચ્ચે ભારતીય સેનાએ પણ જયાં સામ સામા ઘર્ષણની સ્થિતિ હતી ત્યાંથી સૈનિકોની સંખ્યા ઓછી કરવા માંડી છે. પૈંગોંગ તળાવના દક્ષિણ કિનારા પરથી ટેન્કો દૂર કરી દેવામાં આવ્યા છે. આ પહેલા કેટલાક વિસ્તારોમાં તો બંને દેશોની ટેન્કો વચ્ચે માત્ર ૧૦૦ મીટરનું અંતર હતું. જયારે હવે બંને દેશો ટેન્કોને પાછળ લઇ રહ્યા છે.

(10:51 am IST)