Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

EPFOના ખાતાધારકો માટે માઠા સમાચાર : ચાલુ વર્ષે વ્‍યાજદરમાં થશે ઘટાડો : ટુંક સમયમાં લેવાશે નિર્ણય

કોરોનાના કારણે વધુ ઉપાડ અને યોગદાનમાં આવેલ ઘટાડાના કારણે કમાણી પર અસર

નવી દિલ્‍હી તા. ૧૬ : ઇપીએફઓના ૬ કરોડથી પણ વધારે સભ્‍યો માટે આગામી દિવસોમાં એક ખરાબ સમાચાર આવી શકે છે. સરકાર દ્વારા આ વર્ષના વ્‍યાજદરોમાં વધુ ઘટાડો થઇ શકે છે. અધિકારીઓનું કહેવું છે કે આનું કારણ કોરોના વાયરસના કારણે થયેલ વધારે પડતા ઉપાડ અને યોગદાનમાં ઘટાડો છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં વ્‍યાજદરમાં થયેલ ઘટાડાના કારણે પીએફમાંથી થતી આવક પર પણ બહુ અસર થઇ છે. જણાવી દઇએ કે ઇપીએફઓ પોતાનો મોટાભાગનો હિસ્‍સો સરકારી સીક્‍યોરીટીઝમાં રોકે છે. ગત વર્ષોમાં સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૦ માટે ૮.૫ ટકા વ્‍યાજ આપવાનો નિર્ણય કર્યો હતો જે છેલ્લા સાત વર્ષોમાં સૌથી ઓછું હતું. ૨૦૧૯ના નાણાકીય વર્ષમાં આ દર ૮.૬૫ ટકા હતો. ચાલુ નાણાકીય વર્ષમાં ઇપીએફમાં અપાનાર વ્‍યાજનો દર ઇપીએફઓ સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્‍ટીની ૨૨૮મી મીટીંગમાં નક્કી થઇ શકે છે. આ મીટીંગ ૪ માર્ચે થવાની શક્‍યતા છે.

પ્રોવીડન્‍ટ ફંડ અંગે એક ખરાબ સમાચાર બજેટ ૨૦૨૧માં પણ આવ્‍યા હતા, જેમાં પીએફમાં યોગદાન પર ટેક્ષ છૂટનો નિયમ બદલાયો છે. નવા નિયમમાં હાઇ ઇન્‍કમ બ્રેકેટવાળા લોકોને પીએફ પર મળતા વ્‍યાજની છૂટને ઓછી કરી નખાઇ છે. જો કોઇ વ્‍યકિતનું પીએફમાં વાર્ષિક યોગદાન ૨.૫ લાખથી વધારે હશે તો ૨.૫ લાખથી વધારાની રકમ પર તેને જે વ્‍યાજ મળશે તેના પર તેણે ટેક્ષ ચૂકવવો પડશે.

(11:04 am IST)