Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

કોરોનાને હરાવી ચુકયા હો તો પણ એલર્ટ રહેજો

સ્વસ્થ થયેલા લોકો ઝડપથી ફેલાતા અન્ય પ્રકારના વાયરસથી થઇ રહ્યા છે સંક્રમિત : WHOના અહેવાલમાં ચિંતાજનક વાસ્તવિકતાનો ઉલ્લેખ

નવી દિલ્હી તા. ૧૬ : વિશ્વમાં કોરોનાને ૮.૪૩ કરોડથી વધુ લોકો મ્હાત આપી ચુકયા છે. જોકે આ દરમિયાન ડબલ્યુએચઓએ એક નવી ચેતવણી આપી છે. જે મુજબ જો તમે કોરોનાને હરાવી ચુકયા હો તો પણ એલર્ટ રહેજો. ઠીક થઈ ગયેલા લોકો નવા અને ઝડપથી ફેલાતા વિવિધ પ્રકારના વાયરસથી વધુ સંક્રમિત થઈ રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંગઠનના અધિકારીએ આમ જણાવ્યું હતું.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા વિશ્વનાથને કહ્યું, દક્ષિણ આફ્રિકાના પ્રારંભિક રિપોર્ટ પરથી ખબર પડી છે કે કોરોના વાયરસના ચેપથી સાજા થયેલા લોકોને વાયરસના નવા અને ઝડપથી ફેલાતા સ્ટ્રેનથી ફરી સંક્રમિત થઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં અત્યાર સુધી હાથ ધરવામાં આવેલા માનવ પરીક્ષણોમાં રસી ગંભીર બીમારી, હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર અને મોત સામે સંપૂર્ણપણે સલામત સાબિત થઈ હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના કહેવા પ્રમાણે રસીકરણ વાયરસની નવી જાતોના ફેલાવાને પણ ઘટાડી શકે છે. વર્લ્ડોમીટરના જણાવ્યા મુજબ, સમગ્ર વિશ્વમાં કોરોનાથી સંક્રમિત લોકોમાંથી ૮ કરોડ ૪૩ લાખ ૪૮ હજાર ૨૪૧ લોકો સાજા થઈ ગયા છે. એકિટવ કેસની સંખ્યા ૨ કરોડ ૨૮ લાખ ૯૯ હજાર ૫૨૬ છે. જયારે ૯૭ હજાર ૬૯૯ દર્દીઓની સ્થિતિ ગંભીર છે. અમેરિકા વિશ્વભરમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. જો કે, હવે અહીં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૨ હજાર ૬૯૭ નવા કેસ આવ્યા છે. કુલ કેસની સંખ્યા વધીને ૨ કરોડ ૮૩ લાખ ૧૭ હજાર ૬૧૫ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૯૫૧ લોકોનાં મોત નીપજયાં છે.

(12:50 pm IST)