Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

સરકાર લેશે કડક પગલા

મહારાષ્ટ્રમાં કોરોનાએ માથું ઉંચકયુ : કેસમાં વધારો

નવી દિલ્હી તા. ૧૬ : દેશમાં કોરોના વાયરસ મહામારી સામે વેકિસનેશન અભિયાન ચાલી રહ્યું છે ત્યાં બીજી તરફ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસે ચિંતા વધારી છે.

 

દેશભરમાં જયાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રમાં કોરોના રોકાવાનું નામ નથી લઈ રહ્યો. ધીમે ધીમે કોરોના વાયરસના કેસમાં ઘટાડા બાદ મહારાષ્ટ્ર ફરીવાર દેશમાં કોરોના વાયરસ મહામારીથી સૌથી વધુ પ્રભાવિત રાજય બની ગયું છે.

૩૩૬૫ નવા કેસ સામે આવ્યા બાદ મહારાષ્ટ્રએ કેરળને પણ પાછળ છોડી દીધું છે. નોંધનીય છે કે કેરળમાં પણ પરિસ્થિતિ સારી નથી કારણ કે સોમવારે ત્યાં ૨૮૮૪ કેસ સામે આવ્યા હતા. બીજી તરફ શનિવારે રાજયના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર કહી રહ્યા છે કે જો કોરોના વાયરસના કેસ સતત વધે છે તો અમારે મુખ્યમંત્રી સાથે વાત કરીને કડક પગલાં ભરવા પડશે. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં સોમવારે કોરોના વાયરસથી ૨૩ મોત પણ થઈ છે. છેલ્લા ૬ દિવસથી આ રાજયમાં ૩ હજારથી વધારે કેસ સામે આવી રહ્યા છે. કોરોના વાયરસના કેસમાં વધારાને જોતાં BMCએ ધારાવીમાં મોબાઈલ ટેસ્ટિંગ વેન તૈનાત કરી છે. તંત્રમાં કોરોના વાયરસના કેસને જોતાં ડર જોવા મળી રહ્યો છે. હાલમાં જ મહારાષ્ટ્ર સરકારે કેરળથી આવતા યાત્રિકો માટે RT-PCR ટેસ્ટ પણ અનિવાર્ય કરી દીધું હતું અને આખા દેશમાં હવે કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની પરિસ્થિતિ ગંભીર દેખાઈ રહી છે. કેન્દ્ર સરકારે પણ બંને રાજયોમાં હાઇલેવલ ટીમ મોકલવાનો નિર્ણય લીધો હતો.

(12:51 pm IST)