Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ભાજપના રાજ્યસભાના ઉમેદવાર રામભાઇ મોકરિયા-દિનેશ અનાવાડિયા

કાર્યકરોને ગમતી પસંદગી : સૌરાષ્ટ્રના બ્રહ્મ અગ્રણી અને ઉત્તર ગુજરાતના બક્ષીપંચ અગ્રણીને તક : કોંગ્રેસી ઉમેદવારો ન મૂકે તો બન્ને બિનહરીફ ચૂંટાશે : અલગ-અલગ મતપત્રકથી ચૂંટણી થાય તો પણ બેયની જીત નક્કી : સૌરાષ્ટ્ર - ગુજરાત અને દેશભરમાં ભારે નામના ધરાવતા મારૂતિ કુરિયર પ્રા.લી.ના સૂત્રધાર રામભાઇ મોકરિયા (મો.નં. ૯૯૨૫૧૧૮૯૯૯, ૯૮૨૫૦૭૬૩૭૨ રાજ્યસભાના સભ્ય બનશે

રાજકોટ તા. ૧૬ : ગુજરાતની રાજ્યસભાની બે બેઠકોની તા. ૧ માર્ચે યોજાનાર ચૂંટણી માટે કેન્દ્રીય ભાજપે મારૂતિ કુરીયરવાળા રામભાઇ મોકરિયા અને ભાજપ બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રદેશ પ્રમુખ બનાસકાંઠા જિલ્લાના દિનેશ અનાવાડિયા (પ્રજાપતિ)ની ટીકીટ જાહેર કરી છે. બન્ને ઉમેદવારો સંભવત આવતીકાલે ગાંધીનગરમાં ઉમેદવારી કરશે. ચર્ચાતા નામોથી અલગ છતાં જે પસંદગી થઇ તેનાથી કાર્યકરોમાં ખુશી વ્યાપી છે.

રાજ્યસભાના સાંસદ કોંગીના અહેમદભાઇ પટેલ અને ભાજપના  અભયભાઇ ભારદ્વાજના અવસાનથી બેઠક ખાલી પડી છે. તેના માટે બન્ને સભ્યો અનુક્રમે અઢી વર્ષ અને પાંચ વર્ષની મુદ્દત માટે ઉમેદવારી કરશે. ભાજપે સૌરાષ્ટ્રમાંથી બ્રાહ્મણની ખાલી પડેલ જગ્યા પર બ્રહ્મ અગ્રણી રામભાઇ મોકરિયાને ટીકીટ આપી છે. તેઓ મૂળ પોરબંદરના વતની છે.       વિધાનસભાના સંખ્યાબળની દ્રષ્ટિએ ભાજપ - કોંગીને એક-એક બેઠક મળવાપાત્ર છે. ચૂંટણી પંચે જુદા-જુદા મતપત્રકથી ચૂંટણી કરવાનું જાહેર કર્યું છે. કોંગ્રેસ આ મુદ્દે અદાલતના દ્વાર ખટખટાવે તેવી સંભાવના છે. જુદા જુદા મતપત્રકથી મોકરિયા - અનાવાડિયા જ ચૂંટાઇ તેવા સંજોગો છે. જે કોંગ્રેસ ઉમેદવારો જ ન મૂકે તો ભાજપના બન્ને ઉમેદવાર બિનહરીફ ચૂંટાઇ જશે. બેમાંથી કયા ઉમેદવાર કેટલી મુદ્દત માટે ઉમેદવારી કરે છે ? તે હજુ જાહેર થયું નથી.

ગુજરાતમાં રાજયસભાની ખાલી પડેલી બે બેઠકો માટે આગામી ૧લી માર્ચના રોજ મતદાન યોજાવાનું છે. જેમાં બન્ને બેઠકો માટે અલગ અલગ બેલેટ પર મતદાન થવાનું હોવાથી ભાજપની જીત નિશ્ચિત મનાઈ રહ્યું છે. બીજી બાજુ રાજયસભાની બે બેઠકો પર કોંગ્રેસે તેના ઉમેદવાર નહીં ઉતારવાનો નિર્ણય લીધો હોવાનું બિન સત્તાવાર ચર્ચાય છે. દરમિયાન ટોચના કોંગી વર્તુળોના જણાવ્યા પ્રમાણે  કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસના ટોચના નેતાઓની બેઠક ચાલુ છે. જેમાં ગુજરાતમાં રાજ્યસભાની બેઠક માટે કોંગ્રેસનો એક ઉમેદવાર ઉભો રાખવો કે કેમ ? તે અંગે અંતિમ નિર્ણય લેવાશે. જો હાલની ધારણા મુજબ ઉમેદવારો ઉભા રાખવામાં નહીં આવે તો ભાજપને આ બંને બેઠક બિનહરીફ મળી જશે.

હાલ રાજય સભાની ૧૧ પૈકી જે ૯ બેઠકો પર ગુજરાતમાંથી રાજયસભામાં પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે તેમાં કેન્દ્રીય મંત્રી એસ.જયશંકર, પુરૂષોતમ રૂપાલા, મનસુખભાઈ માંડવીયા, નરહરી અમીન, રસીલાબેન બારા, જુગલજી ઠાકોર, નારાયણ ઠાકોર ઉપરાંત કોંગ્રેસમાંથી નારાયણ રાઠવા, અમીબેન યાજ્ઞીક અને શકિતસિંહ ગોહિલ રાજયસભાના સાંસદ છે. લાંબા સમય બાદ હવે ગુજરાતમાંથી રાજયસભામાં ૮ સાંસદો ભાજપના હશે જયારે કોંગ્રેસે માત્ર ૩ સાંસદોથી જ આત્મસંતોષ માની લેવો પડશે.

પહેલી માર્ચે સવારે ૯થી ૪ વાગ્યા સુધી મતદાન યોજાશે. બંને બેઠકોનું મતદાન અલગ અલગ થશે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૮ ફેબ્રુઆરી છે. ૧૯ ફેબ્રુઆરીએ ઉમેદવારોએ ફોર્મ ભરવાનું રહેશે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ ૨૨ ફેબ્રુઆરી રાખવામાં આવી છે. પહેલી માર્ચે સવારે ૯થી ૪ વાગ્યા સુધી મતદાન યોજાશે. ચૂંટણીની મતગણતરી પહેલી માર્ચે સાંજે પાંચ વાગે યોજાશે.

ભાજપે રાજયસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને સાચવી લીધું છે. રામભાઈ મોકરીયાની સાથે ઉત્તરગુજરાતમાં ભાજપના આગેવાન તથા ગુજરાત ભાજપમાં બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ દિનેશ પ્રજાપતિને ટિકિટ આપી છે. દિનેશ પ્રજાપતિ ડિસાભાજપના આગેવાન છે.

(3:02 pm IST)