Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

રામભાઇ મોકરીયાને જન્મદિવસની ભેટઃ ભાજપ દ્વારા રાજયસભાના ઉમેદવાર તરીકે પસંદગી

કોલેજમાં ફીના પૈસા ન હોવાથી અભ્યાઅસ છોડવો પડયો હતોઃ ૧૯૮૩માં પુર હોનારતમાં તમામ ઘર-વખરી તણાઇ ગઇ હતીઃ હિંમત હાર્યા વગર આગળ વધ્યા અને સફળતા મળતી રહી : નરેન્દ્રભાઇ મોદી, અમીતભાઇ શાહ, વિજયભાઇ રૂપાણી સહીતના સાથે ખુબ જ સારા સંબંધોઃ ૧૯૭૮માં જન સંઘમાં જોડાયા'તાઃ પ્રથમ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે જોડાયા હતા. ૧૯૮પમાં મારૂતી કુરીયરની શરૂઆત કરી'તી

નરેન્દ્રભાઇ મોદી, વિજયભાઇ રૂપાણી, અભયભાઇ ભારદ્વાજ સાથે રામભાઇ મોકરીયાની તસ્વીરી ઝલક : રાજકોટઃ ભાજપના રાજયસભાના ઉમેદવાર તરીકે રામભાઇ મોકરીયાના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ઉપરોકત તસ્વીરમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રીશ્રી  વિજયભાઇ રૂપાણી, સ્વ. અભયભાઇ ભારદ્વાજ સહીતના સાથેની રામભાઇ મોકરીયાની તસ્વીરી ઝલક.

(પરેશ પારેખ-વિનુ જોશી દ્વારા) પોરબંદર-જુનાગઢ, તા., ૧૬:  ભાજપે આજે રાજયસભાના બે ઉમેદવારોની જાહેરાત કરી છે જેમાં મૂળ પોરબંદરના વતની અને હાલ રાજકોટ રહેતા મારૂતી કુરીયરવાળા રામભાઇ મોકરીયા અને બનાસકાંઠાના દિનેશભાઇ પ્રજાપતીના નામની જાહેરાત કરવામાં આવી છે. અહેમદભાઇ પટેલ અને અભયભાઇ ભારદ્વાજના નિધન બાદ બંન્ને બેઠકો ખાલી હતી. જેમાં ૧૮મીએ ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. જયારે ૧લી માર્ચે મતદાન થશે. ભાજપ તરફથી રામભાઇ મોકરીયાને આજે જન્મદિવસની ભેટ આપી હોય તેમ રાજયસભાના ઉમેદવાર તરીકે નામની જાહેરાત કરવામાં આવતા ભાજપ આગેવાનો, કાર્યકરો તથા પરીવારજનોમાં ખુશી છવાઇ છે.

રામભાઈ મુળ પોરબંદરના વતની છે. તેમનો જન્મ પોરબંદર જીલ્લાના  ભડ ગામે થયો હતો. તેમને એક દિકરી અને બે  દિકરા છે. તેઓ ૧૯૭૬થી વિદ્યાર્થી પરિષદ, સંઘ પરિવાર અને વિશ્વ હિન્દુ પરીષદ સાથે જોડાયેલા છે. તેમને વડાપ્રધાન  શ્રી નરેન્દ્રભાઇ મોદી, ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રી  શ્રી વિજયભાઇ રૂપાણી સાથે ખૂબ જ સારા સંબંધો છે.

તેઓ ૧૯૭૮ જનસંઘમાં જોડાયા બાદમાં ભાજપમાં જોડાયા હતાં.૧૯૮૯ નગર પાલિકામાં પ્રથમવાર કાઉન્સિલર બન્યા હતાં. તેઓ ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય રહી ચૂક્યા છે.તેઓ પોરબંદરમાં ભાજપના અનેક હોદ્દા પર રહી ચૂક્યા છે.તેમણે પ્રથમ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે ૧૯૮૫માં મારૂતિ કુરિયરની શરૂઆત કરી હતી. તેઓ ખેતી સાથે સંકળાયેલા પણ છે.

આજે મારૂતિ કુરિયરના રામભાઇ મોકરીયાનો ૬૧મો જન્મદિવસ છે. તેઓ રાજકોટની જનકલ્યાણ સોસાયટીમાં રહે છે. 'કુરિયર'નું નામ પડે એટલે ગુજરાત સહિત ભારતભરના મોટાભાગના વિસ્તારમાં એક જ નામ આવે 'મારૂતી'. આજે 'કુરિયર'નો પર્યાય બનેલી મારૂતી કુરિયર સર્વિસની સફળતા પાછળ તેમના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટરની તનતોડ મહેનત અને અડગ મનોબળ છે. ભારતના છેવાડાના ગામ સુધી પોતાની સર્વિસ પૂરી પાડતી મારૂતી કુરિયરના ફાઉન્ડર રામભાઈ મોકરીયાની સફળતાની જર્ની પણ ઘણું બધુ શીખવી જાય તેમ છે. પોરબંદરના નાના એવા ગામમાં ખેતી કરતા બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા રામભાઈ મોકરીયાના જીવનમાં અનેક ઉતાર-્રચઢાવ આવ્યા હતા.

જો કે દરેક મુશ્કેલીનો સામનો કરી આગળ વધેલા રામભાઈની મારૂતી કુરિયર કંપની આજે ભારત સહિત વિદેશમાં પણ સર્વિસ પૂરી પાડે છે. એટલું જ નહીં ૭૦૦૦ લોકોને રોજગારીની સાથે આશરે ૪૦૦ કરોડનું ટર્નઓવર પણ કરે છે.નાનપણથી જ પોતાના ખર્ચ જાતે ઉઠાવવામાં માનતા રામભાઈને રાતોરાત સફળતા મળી નથી.

કોલેજમાં ફીના પૈસા ન હોવાથી અભ્યાસ છોડ્યો, ૧૯૮૩માં પોરબંદરમાં આવેલા પૂરમાં ઘરવખરી તમામ વખરી તણાઈ ગઈ, છતાં હિંમત હાર્યા વિના આગળ વધેલા રામભાઈની નાની એવી કુરિયર સર્વિસ આજે મોટું વટવૃક્ષ બની ગઈ છે. હાલમાં શ્રી મારૂતી કુરીયરની દેશભરમાં ર૬૦૦ થી વધુ ઓફીસો આવેલી છે. રર દેશમાં તેઓ કુરીયરની સવિસ આપે છે.

રામભાઈએ પોતાના સંઘર્ષ અને પોતાની સફળતા વિશે વિગતે વાત કરી હતી. માત્ર પોતાની સફળતા જ નહીં પણ મારૂતી કુરિયર કંપનીમાં કામ કરી તેમના સમાજના લોકોનું જીવનધોરણ અને બાળકોમાં અભ્યાસની ગુણવત્તા પણ સુધરી હોવાનો તે ગર્વ અનુભવે છે. રામભાઈની કંપની સૌરાષ્ટ્ર વિસ્તારમાં હોટેલ, ટ્રાન્સપોર્ટ, રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ કાર્યરત છે.

ભાજપના ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ રામભાઇ મોકરીયાએ જણાવ્યું હતું કે, લોકોના સહયોગથી વિકાસના કામો કરીશું.  તન-મન-ધનથી લોકોને સુવિધાઓ મળે તે માટે હંમેશા તપ્પર રહીશ. અત્રે ઉલ્લેખનીય છે કે ર૦૧૯ની લોકસભા ચુંટણી માટે તેઓ પોરબંદર બેઠક ઉપર પ્રબળ દાવેદાર હતા પણ તેઓની પસંદગી થઇ ન હતી.

રામભાઇ મોકરીયાએ સંતોકબેન જાડેજાના પીએ તરીકે પણ કામગીરી કરી હતી.  રામભાઇ મોકરીયાના મો.નં. ૯૯રપ૧ ૧૮૯૯૯ ઉપર શુભેચ્છા વર્ષા વરસી રહી છે.

(3:03 pm IST)