Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

બિનજરૂરી કોલ અને ઓનલાઇન ફ્રોડથી છુટકારા માટે સરકાર કરી રહી છે તૈયારી : એપ વિકસિત કરશે

ડુ નોટ ડિસ્ટર્બનું ઉલ્લંઘન કરનારી ટેલિ માર્કેટીંગ કંપનીના કનેકશન કાપી નાખવા નિર્દેશ

નવી દિલ્હી : સરકાર ડિજીટલ વ્યવસ્થામાં ગ્રાહકોનો ભરોસો વધારવા માટે અનેક સુધારા કરવાની તૈયારીમાં છે. જેના આધારે ગ્રાહકોને બિનજરૂરી કોલ અને ઓનલાઇન ફ્રોડથી રાહત મળે તેવી વ્યવસ્થા કરાશે. એવા ખાસ એપ વિકસિત કરાશે. જેના માધ્યમથી ગ્રાહક ટેલીકોમ કંપનીઓના બિનજરૂરી કોલ, એસએમએસ અને નાણાકીય મુશ્કેલીથી બચી શકશે. સોમવારે ટેેલીકોમ મંત્રી રવિશંકર પ્રસાદની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.

નાણાકીય દગાખોરીના કિસ્સા દેશમાં સતત વધી રહ્યા છે. મોબાઇલ ફોન પર લીંક મોકલીને કે પછી ઇમેઇલની મદદથી બેંક ખાતામાં ઘુસ મારવાની ઘટનાઓ વધી રહી છે. પ્રસાદની અધ્યક્ષતામાં બેઠકમાં કોમર્શિયલ કોલની સંખ્યા વધવાની વાત રજૂ કરાઇ. અધિકારીઓએ કહ્યુ કે ગ્રાહકો દ્વારા ડુ નોટ ડિસ્ટર્બ લખ્યુ હોવા છતા આ લોકો મેસેજ અને કોલ કરે છે. આવી કંપનીઓની વિરૂધ્ધમાં મંત્રીએ દંડ અને કાયદાકીય જોગવાઇ કરવાનું સુચન કર્યુ છે. નિર્દેશમાં કહેવાયુ છે કે, નિયમનું ઉલ્લંઘન કરવાની ટેલી માર્કેટીંગ કંપનીના કનેકશન પણ કાપી લેવાશે.પ્રસાદે કહ્યુ કે, ડીજીટલ દગાખોરીની મદદથી મોટી કમાણી જે બેંક ખાતાથી કાઢવામાં આવી રહી છે તેની પર તત્કાલ રોક લગાવી દેવી. તેઓએ આદેશમાં એમ પણ કહ્યું કે આ યુનિટ નકકી સમય સીમામાં નાણાકીય દગાખોરીના કેસને નિપટાવવાનું કામ કરશે. આ સાથે ટેલીકોમ ગ્રાહકોના અધિકારોના હિતની રક્ષા કરવા માટે ટેલીકોમ એનાલીસીસ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝયુમર પ્રોટેકશન પ્રણાલી વિકસીત કરાશે.

(3:13 pm IST)