Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

પુંડુચેરીમાં કોંગ્રેસના 4 સભ્‍યોએ રાજીનામા આપતા મુખ્‍યમંત્રી નારાયણ સ્‍વામીએ કેબિનેટ બેઠક બોલાવીઃ મંત્રી મંડળને ભંગ કરવાનો નિર્ણય લેવાય તેવી શક્‍યતા

પોંડીચેરી:સભ્યો ધરાવતી પોંડિચેરી વિધાનસભામાં કોંગ્રેસના કુલ 15 ધારાસભ્યો છે. જ્યારે DMKના બે MLAના સમર્થનથી કોંગ્રેસની સરકાર બહુમતમાં હતી. જો કે હવે એક પછી એક ચાર ધારાસભ્યોના રાજીનામાં બાદ વિપક્ષના ધારાસભ્યોની સંખ્યા 14 પર પહોંચી ગઈ છે. એવામાં કોંગ્રેસની સરકાર અલ્પમતમાં આવી ગઈ છે. હાલ પાર્ટી પાસે માત્ર 10 ધારાસભ્યો બચ્યા હોવાનું કહેવાય છે. જે બાદ મુખ્યમંત્રી નારાયણસામીએ કેબિનેટની બેઠક બોલાવી છે. જેમાં મંત્રી મંડળને ભંગ કરવા અંગેનો નિર્ણય લેવાઈ શકે છે.

અંગે સમાજ કલ્યામ મંત્રી કંધાસામીએ એક વીડિયોમાં જણાવ્યું કે, 5 વર્ષ સુધી વડાપ્રધાન મોદી અને LG કિરણ બેદીએ કોંગ્રેસ-DMKની ગઠબંધન સરકારને તોડવા માટે અનેક પ્રયત્નો કર્યા. જો કે હવે ચૂંટણીની તારીખો જાહેર થવા જઈ રહી છે. આથી મુખ્યમંત્રી નારાયણ સામીએ સરકારને ભંગ કરવા માટે કેબિનેટ બેઠક બોલાવી છે.

જ્યારે પોંડિચેરી ભાજપના પ્રભારી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું કે, મોટાભાગના કોંગ્રેસીઓને ખ્યાલ આવી ગયો છે કે, તેઓ એક એવી પાર્ટીમાં છે. જેના નેતૃત્વમાં ભ્રષ્ટાચાર, જૂઠ્ઠાણા, પાખંડ અને પરિવારવાદની રાજનીતિ છે. કોંગ્રેસીઓને સમજાઈ ગયું છે કે, ભારતની જનતા હવે કોંગ્રેસને સાથ આપવાની નથી.

જણાવી દઈએ કે, 2016ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 15 બેઠકો જીતી હતી. કોંગ્રેસને 3 DMK અને એક અપક્ષ ધારાસભ્યનું સમર્થન મળ્યું હતું. જો કે હવે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને 10 થઈ ગઈ છે, કારણ કે 4 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા છે. જ્યારે એક ધારાસભ્યની પાર્ટી વિરોધી ગતિવિધિઓના કારણે પહેલા હકાલપટ્ટી કરવામાં આવી છે.

(5:30 pm IST)