Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

વિદેશીઓનો માર્ગ ખોલનારા દેશી કંપનીને ડરાવે છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજા સુહેલદેવના સ્મારકનું શિલાન્યાસ કર્યું : નવા કૃષિ કાયદાથી નાના ખેડૂતોને લાભ થશે, સ્વામિત્વ યોજના હેઠળ ગામના લોકોને અધિકાર આપવાનું કામ કર્યું

નવીદિલ્હી, તા. ૧૬ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઉત્તર પ્રદેશના બહરાઇચમાં મહારાજા સુહેલદેવના સ્મારકનું શિલાન્યાસ કર્યું. આ પ્રસંગે પીએમ મોદીએ ખેડૂત આંદોલન અંગે ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું કે, નવા કૃષિ કાયદાથી નાના ખેડૂતોના લાભ થશે. કૃષિ કાયદાને લઇને ઘણા પ્રકારના પ્રચાર કરવામાં આવ્યા.

પીએમ મોદીએ કહ્યું કે, જેમણે વિદેશી કંપનીઓનો માર્ગ ખોલ્યો તે દેશી કંપનીઓને ડરાવે છે. હવે ખેડૂત જ તેમની પોલ ખોલવામાં લાગ્યા છે. ગામડાનો ગરીબ ખેડૂત જોઇ રહ્યો છે કે તેમના નાના ઘર અને જમીન બચાવવા માટે કોઇ સરકાર આટલી મોટી સ્કીમ ચલાવી રહી છે. અમે સ્વામિત્વ યોજના હેઠળ ગામડાના લોકોને અધિકાર આપવાનું કામ કર્યું છે. સાથે જ પીએમ મોદીએ કહ્યું કે, ભારતનો ઇતિહાસ એ નથી જે દેશને ગુલામ બનાવનારા અને ગુલામીની માનસિકતા સાથે લખનારાઓએ લખ્યું. ભારતનો ઇતિહાસ એ પણ છે જે દેશના સામાન્ય લોકોએ લખ્યું છે. ભારતમાં કેટલાય નાયકોને ઇતિહાસમાં જગ્યા આપવામાં આવી નહીં, જેને આજનું ભારત સુધારી રહ્યું છે.

તેમણે કહ્યું કે, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આઝાદ હિંદ સરકારના પ્રથમ પીએમ હતા. આઝાદ હિંદ ફૌજને ક્યારેય તેવું સન્માન આપવામાં આવ્યું નહીં. દેશના ૫૦૦થી વધુ રજવાડાઓને એક કરનાર સરદાર વલ્લભ ભાઇ પટેલ સાથે શું થયું, તે દરેક જાણે છે. અમારી સરકારે સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા બનાવી.

(8:11 pm IST)