Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ઝૂમ મિટિંગમાં જોડાનારાની માહિતી માગવામાં આવી

ટૂલકિટ પ્રકરણ મુદ્દે દિલ્હી પોલીસના આક્રમક પગલાં : ખેડૂત આંદોલનને સમર્થન કરતાં ટૂલકિટ તૈયાર કરવાની મિટિંગમાં નિકિતા જેકબ, શાંતનુ સહિત ૭૦ લોકો સામેલ

નવી દિલ્હી, તા. ૧૬ : દિલ્હી પોલીસે વીડિયો કોન્ફરન્સિંગ પ્લેટફોર્મ ઝૂમ પાસેથી એ લોકોની માહિતી માગી છે, જેઓ ૧૧મી જાન્યુઆરીની બેઠકમાં ખાલિસ્તાની ગ્રુપ દ્વારા કથિત રીતે ખેડૂત આંદોલનને સમર્થન કરતાં ટૂલકિટ તૈયાર કરવા માટે એક મીટિંગ કરી હતી.

પોલીસે આરોપ મૂક્યો છે કે, મુંબઇની વકીલ નિકિતા જેકબ અને પુણેના એન્જિનિયર શાંતનુ એ ૭૦ લોકોમાં સામેલ હતા, જે દિલ્હીમાં ગણતંત્ર દિવસે હિંસાના કેટલાક દિવસ પહેલાં ઝૂમ એપ દ્વારા બેઠકમાં સામેલ થયા હતા. જેમાં ૫૦૦થી વધુ પોલીસકર્મી ઘાયલ થયા હતા અને એક પ્રદર્શનકારીનું મોત નિપજ્યું હતું.

પોલીસ અધિકારીએ કહ્યું કે, દિલ્હી પોલીસે વીડિયો કોન્ફરન્સિંગ એફ ઝૂમ પાસેથી ૧૧મી જાન્યુઆરીની બેઠકમાં ભાગ લેનારાઓની માહિતી માગી છે. જોઇન્ટ કમિશનર સાઇબર પ્રેમનાથે કહ્યું હતું કે, ખાલિસ્તાન સમર્થક ગ્રુપ પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશનના સંસ્થાપક મો ધાલીવાલે પુનીત નામની કેનેડાની એક મહિલાના માધ્યમથી જેકબ અને શાંતનુનો સંપર્ક કર્યો હતો. નિકિતા અને શાંતનુએ ૧૧મી જાન્યુઆરીએ આયોજીત મીટિંગમાં ભાગ લીધો હતો. જેમાં ૨૬મી જાન્યુઆરીને વૈશ્વિક કિસાન હડતાળ અને ગ્લોબલ ડે ઓફ એક્શનની પદ્ધતિવાળા શીર્ષક હેઠળ ટૂલકિટ બનાવવાનો નિર્ણય કરાયો હતો.

(8:14 pm IST)