Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ચાર ધારાસભ્યના રાજીનામાથી પુંડુચેરીમાં કોંગી સરકાર સંકટમાં

રણનીતિ પર ચર્ચા માટે રાહુલના આગમન પૂર્વે ભડાકો : પુંડુચેરીના મુખ્યમંત્રી વી નારાયણસ્વામીએ ગવર્નર પર કામ ન કરવાના આરોપ લગાવતા રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

નવી દિલ્હી, તા. ૧૬ : આગામી વિધાનસભા ચૂંટણીને મુદ્દે રાહુલ ગાંધીના પ્રવાસના માત્ર એક દિવસ પહેલા જ પુડુચેરી કોંગ્રેસ સરકાર સંકટમાં આવી પડી છે. અહીં ચાર ધારાસભ્યો દ્વારા રાજીનામા આપવા અને એક ધારાસભ્યને અયોગ્ય જાહેર કરાતા પાર્ટીએ બહુમતી ગુમાવી દીધી હતી. ખાસ મુદ્દો એ હતો કે બુધવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચૂંટણી રણનીતિ પર ચર્ચા કરવા માટે પુડુચેરીની મુલાકાતે આવી રહ્યા છે, પરંતુ એ પહેલા જ કોંગ્રેસ નેતાઓ દ્વારા પાર્ટી છોડવાની વાતનો ખુલાસો થયો હતો. જોકે પુડુચેરીમાં વિતેલા દિવસોમાં કોંગ્રેસના ધારાસભ્યો એક પછી એક રાજીનામા આપી રહ્યા હતા, એમાં કેટલાકે તો ટ્વીટર થકી રાજીનામુ આપ્યું હોવાનો ખુલાસો કર્યો હતો.

રાજ્યમાં ૨૦૧૬માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ૧૫ સીટો પર જીત મળી હતી. અહીં કુલ ૩૦ વિધાનસભા સીટો છે. કોંગ્રેસ સરકારને ડીએમકેના ૩ અને એક નિષ્પક્ષ ધારાસભ્યનું સમર્થન મળેલ હતું. આ દરમિયાન પુડુચેરીના મુખ્યમંત્રી વી નારાયણસ્વામીએ ગવર્નર પર કામ ન કરવાના આરોપ લગાવતા રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમણે ગવર્નર કિરણ બેદી સામે મેમોરેન્ડમ સોંપ્યુ હતું. તેમણે વડાપ્રધાન મોદી અને કિરણ બેદી પર પુડૂચેરીનો દરજ્જો બદલવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવોકર્યો હતો કે તે કેન્દ્રશાસિત પ્રદેશને તમિલનાડૂમાં સામેલ કરવા ઇચ્છે છે.

(9:38 pm IST)