Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ખ્‍વાજા મોઇનુદ્દીન ચિશ્‍તીના ૮૦૯માં વાર્ષિક ઉર્ષ પ્રસંગે વડાપ્રધાને મોકલેલ ચાદર ચઢાવાઇ

અજમેર: અજમેર શરીફ ખ્‍વાજા મોઇનુદીન ચિશ્‍તીના ૮૦૯માં વાર્ષિક ઉર્ષની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ મોકલાવેલી ચાદર અજમેર શરીફ દરગાહ પર ચઢવાઇ હતી.

કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ અજમેર શરીફ દરગાહમાં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના 809માં વાર્ષિક ઉર્સ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મોકલવામાં આવેલી ચાદર ચઢાવી હતી.

આ પ્રસંગે નકવીએ કહ્યુ કે, સહિષ્ણુતા અને સૌહાર્દની ભારતની સંસ્કૃતિ અને સંસ્કાર છે. આ તાકાતને કોઇ પણ નકારાત્મક ષડયંત્ર નુકસાન નથી પહોચાડી શકતું. આ સાથે જ તેમણે કહ્યુ કે વડાપ્રધાન મોદી, સૂફી-સંતોના સંસ્કાર અને સુશાસનના સંકલ્પથી ભરપૂર વિકાસ, સર્વસ્પર્શી સશક્તિકરણના પ્રામાણિક વ્યક્તિ છે. નકવીએ દરહાહ પર વડાપ્રધાનની ચાદર રજૂ કરી હતી અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સમાજના તમામ તબક્કાના લોકોને તેમના મેસેજને વાંચીને સંભળાવ્યો હતો.

વડાપ્રધાન મોદીએ પોતાના મેસેજમાં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના 809માં ઉર્સના પ્રસંગે વિશ્વભરમાં તેમના અનુયાયીઓને શુભેચ્છા આપતા કહ્યુ કે આ વાર્ષિક ઉત્સવ કોમી એકતા અને ભાઇચારાનું ઉદાહરણ છે. PM મોદીએ કહ્યુ કે, વિવિધ ધર્મ,સંપ્રદાયો અને તેમની સાથે જોડાયેલી માન્યતાઓ અને આસ્થાઓનો સદભાવપૂર્ણ સહઅસ્તિત્વ વિવિધતાથી ભરેલા આપણા દેશની અદભૂત ધરોહર છે. આ ધરોહરને મજબૂત કરવામાં દેશના વિવિધ સાધુ-સંતો, પીર અને ફકીરોનું યોગદાન રહ્યુ છે. શાંતિ અને સમરસતાના તેમના શાશ્વત મેસેજે આપણી સામાજિક-સાંસ્કૃતિક વિરાસતને સમૃદ્ધ કરી છે.”

વડાપ્રધાન મોદી દ્વારા મોકલવામાં આવેલી ચાદરનું ત્યા હાજર લોકોએ પુરા સમ્માન સાથે સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે નકવીએ દરગાહ પરિસરમાં નવનિર્મિત 88 શૌચાલયોના બ્લૉકનું ઉદ્દઘાટન કર્યુ હતું. સાથે રેન બસેરાનું પણ ઉદ્દઘાટન કર્યુ હતું, જેમાં લગભગ 500 મહિલા યાત્રાળુઓના રોકાવાની વ્યવસ્થા છે. આ સુવિધાનું પ્રથમ વખત દરગાહ પરિસરમાં નિર્માણ થયુ ચે. નકવીએ અજમેર શરીફ દરગાહના ગેટ નંબર 5 અને ગેસ્ટ હાઉસના નવનિર્મિત ચોથા તળનું પણ ઉદ્દઘાટન કર્યુ હતું.

(9:54 pm IST)