Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

મહારાષ્ટ્રમાં સતત સાતમા દિવસે કોરોના કેસ 3 હજારને વટાવી જવાથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું - નાગરિકો સૂચનોનું કડક પાલન કરે અથવા બીજા લોકડાઉન માટે તૈયાર રહે!

મુંબઈ : મહારાષ્ટ્રમાં, છેલ્લા એક મહિનામાં ગયા રવિવારે સૌથી વધુ 4092 કોરોના ના કેસ નોંધાયા હતા જ્યારે મંગળવારે 3663 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા 7 દિવસથી, દરરોજ 3,000 થી વધુ કોવીડ-19 ના કેસ નોંધાય છે.

મહારાષ્ટ્રમાં કોવિડ -19 કેસમાં તાજેતરમાં થયેલા વધારાથી ચિંતિત મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે નાગરિકોને માસ્ક પહેરવા અને યોગ્ય અંતરને અનુસરીવા જેવા સૂચનોનું કડક પાલન કરવા અથવા ફરી એક વાર લોકડાઉનનો સામનો કરવા તૈયાર રહેવા જણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે 'રાજ્યના લોકોએ નિર્ણય લેવો પડશે કે તેઓ લોકડાઉન ઇચ્છે છે કે અમુક પ્રતિબંધો સાથે મુક્ત રીતે જીવવાનું? માસ્ક પહેરો અને ભીડને ટાળો નહીં તો તમને ફરીથી લોકડાઉનનો સામનો કરવો પડશે.'

આ પહેલા મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કહ્યું હતું કે શહેરમાં લોકડાઉન પુન: સ્થાપિત થશે કે નહીં તે લોકો પર નિર્ભર રહેશે. એક સમાચાર એજન્સી અનુસાર, મેયર પેડનેકરે કહ્યું હતું કે "આ ચિંતાનો વિષય છે. ટ્રેનોમાં મુસાફરી કરતા મોટાભાગના લોકો માસ્ક પહેરેલા હોતા નથી. લોકોએ સાવચેતી રાખવી પડશે અન્યથા આપણે ફરી એક વાર લોકડાઉન કરવું પડશે. લોકડાઉન ફરીથી લાદવામાં આવશે કે નહીં તે હવે લોકોના હાથમાં છે." વધુમાં પેડનેકરે જણાવ્યુ હતું કે અધિકારીઓએ શહેરમાં શાળાઓ ફરી શરૂ કરવા અંગે વિચારણા કરી હતી પરંતુ તેઓ તેની ફરી સમીક્ષા કરી શકે છે.

(11:21 pm IST)