Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

સ્ટેરોઈડના દુરુપયોગથી મ્યુકોરમાઈકોસિસનું જોખમ

દેશમાં મ્યુકોરમાઈકોસિસે ચિંતા વધારી : ડાયાબિટિસ, કોરોના પોઝિટિવ અને સ્ટેરોયડ લેનારા રોગીઓમાં ફંગલ સંક્રમણ વધવાની સંભાવના વધે છે

નવી દિલ્હી, તા. ૧૫ : દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોનાના સક્રિય કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશના ૧૧ રાજ્યોમાં ૧ લાખથી વધુ એક્ટિવ કેસ છે. ૮ રાજ્યોમાં ૫૦,૦૦૦થી ૧ લાખ વચ્ચે એક્ટિવ કેસ છે. તો ૧૭ રાજ્યોમાં ૫૦ હજારથી ઓછા સક્રિય કેસ છે. મહારાષ્ટ્ર, યૂપી, ગુજરાત અને છત્તીસગઢ જ્યાં વધુ સંખ્યામાં કોરોનાના નવા કેસ સામે આવી રહ્યાં છે અને હવે ત્યાં પણ સક્રિય કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. આ સાથે મંત્રાલયે જણાવ્યું કે, ચિંતાનું કારણ તમિલનાડુ છે, જ્યાં છેલ્લા એક સપ્તાહમાં એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે. આ સાથે એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યુ કે, જેમ-જેમ કોરોના કેસ વધી રહ્યાં છે, તે સૌથી મહત્વપૂર્ણ છે કે અમે હોસ્પિટલોમાં સંક્રમણ નિયંત્રણ પ્રથાઓના પ્રોટોકોલનું પાલન કરીએ. તે જોવા મળ્યું છે કે મોટાભાગના દર્દી બીજા સંક્રમણ એટલે કે ફંગલ અને બેક્ટેરિયાના સંક્રમણથી મૃત્યુ પામી રહ્યાં છે. ગુલેરિયા અનુસાર મ્યુકોરમાઈકોસિસ બ્લેક ફંગસની પાછળ સ્ટેરોયડનો દુરૂપયોગ એક મોટુ કારણ છે. ડાયાબિટિસ, કોરોના પોઝિટિવ અને સ્ટેરોયડ લેનારા રોગીઓમાં ફંગલ સંક્રમણ વધવાની સંભાવના વધી જાય છે. તેને રોકવા માટે આપણે સ્ટેરોયડનો દુરૂપયોગ રોકવો પડશે. બ્લેક ફંગસનો આ રોગ, ચહેરા, નાક, આંખ કે મસ્તિષ્કને પ્રભાવિત કરી શકે છે, જેથી દ્રષ્ટિને હાની પહોંચી શકે છે. તે ફેફસામાં પણ ફેલાઇ શકે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ અનુસાર દેશમાં સક્રિય કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. ૩ મેએ રિકવરી રેટ ૮૧.૩ ટકા હતો ત્યારબાદ રિકવરીમાં સુધાર થયો છે. હવે રિકવરી રેટ ૮૩.૮૩ છે. ૭૫ ટકા કેસ ૧૦ રાજ્યોમાંથી આવી રહ્યાં છે અને કુલ એક્ટિવ કેસના ૮૦ ટકા માત્ર ૧૨ રાજ્યોમાં છે.

સ્વાસ્થ્ય સચિવે જણાવ્યુ કે, દેશમાં ૨૪ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ એવા છે, જ્યાં ૧૫ ટકાથી વધુ પોઝિટિવિટી રેટ છે. ૫થી ૧૫ ટકા પોઝિટિવિટી રેટ ૧૦ રાજ્યોમાં છે. ૫ ટકાથી ઓછો પોઝિટિવિટી રેટ ૩ રાજ્યોમાં છે. છેલ્લા એક સપ્તાહમાં ૧૮ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પોઝિટિવિટી રેટ ઓછો થયો છે. દેશભરમાં પોઝિટિવિટી રેટ જે ૨૧.૯ ટકા હતો, તે હવે ૧૯.૮ ટકા રહી ગયો છે.

 

(12:00 am IST)