Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

ઇઝરાયેલ પેલેસ્ટાઇન સંઘર્ષ વચ્ચે ગાઝામાં હમાસના વડાના ઘર પર હુમલો

તેલ અવિવના આકાશમાં રોકેટોની ધણધણાટી અવિતરણ ચાલુ

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેનો સંઘર્ષ એક સપ્તાહ બાદ પણ ચાલુ છે અને બન્ને પક્ષ એકબીજા પર હુમલા કરી રહ્યા છે.

બીબીસીની અરેબિક સેવાના જણાવ્યા અનુસાર ઇઝરાયલે ગાઝામાં હમાસના વડાના ઘર પર હુમલો કર્યો છે, જ્યારે બીજી તરફ તેલ અવિવના આકાશમાં મોટા પ્રમાણમાં રૉકેટો છોડવામાં આવ્યાં છે.

ગાઝાપટ્ટીના અધિકારીના જણાવ્યા અનુસાર આ હુમલામાં ઓછામાં ઓછા ત્રણ પેલેસ્ટાઇનવાસીઓનાં મૃત્યુ થયાં છે અને કેટલાકને ઈજા પહોંચી છે.

બીજી તરફ ભારે સંખ્યામાં છોડવામાં આવેલાં રૉકેટોએ તેલ અવિવ શહેરના આકાશને ધણધણાવી દીધું. સમાચાર સંસ્થા રૉયટર્સના જણાવ્યા અનુસાર રૉકેટ ફાયર થતાં જ શહેરમાં સાયરનો વાગવાં લાગ્યાં અને લોકો બંકરોની અંદર દોડી ગયા. આ દરમિયાન દસ લોકોને ઈજા પહોંચી.

ઇઝરાયલ પર મિસાઇલ કે રૉકેટોથી હુમલો કરાય ત્યારે ચેતવણીના ભાગરૂપે શહેરમાં સાયરન વાગવા લાગે છે અને લોકો સુરક્ષિત સ્થળોએ આશરો લઈ લે છે.

ઇઝરાયલે કરેલા હુમલામાં એક તબાહ થઈ ગયેલા પરિવારમાં માત્ર પાંચ વર્ષનો ઓમર જ બચ્યો

આ દરમિયાન આંતરરાષ્ટ્રીય સમુદાયે બન્ને પક્ષને સંઘર્ષવિરામની ભલામણ કરી છે.

શનિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ઇઝરાયના વડા પ્રધાન બેન્યામિન નેતન્યાહુ અને પેલેસ્ટાઇનના વડા પ્રધાન મહમૌદ અબ્બાસ સાથે ફોન પર વાત કરી અને સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી.

રવિવારે આ મામલે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષાપરિષદની બેઠક પણ મળી રહી છે.

ગત સોમવારે શરૂ થયેલા આ સંઘર્ષમાં ગાઝામાં 148 લોકો માર્યા ગયા હોવાનું પેલેસ્ટાઇનિયન અધિકારીઓએ જણાવ્યું છે. તો બીજી તરફ ઇઝરાયલમાં દસ લોકોનાં મૃત્યુ થયાં છે. જેમાં બે બાળકો પણ સામેલ છે.

ઇઝરાયલનું કહેવું છે કે ગાઝામાં માર્યા ગયેલા લોકોમાં કેટલાય ચરમપંથીઓ સામેલ છે. જ્યારે પેલેસ્ટાઇનના અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃતકોમાં 41 બાળકોનો સમાવેશ થાય છે.

આ દરમિયાન ઇઝરાયલના વડા પ્રધાન બેન્યામિન નેતન્યાહુએ 'શક્તિશાળી જવાબ આપવાનું ચાલુ' રહેશે એવી વાત કરી છે.

શનિવારે ઇઝરાયલના વડા પ્રધાને કહ્યું કે 'જ્યાં સુધી જરૂર જણાય ત્યાં સુધી લડત ચાલુ રહશે.' જોકે, તેમણે નાગરિકોનો ભોગ ન લેવા એ માટે બનતા પ્રયાસ કરવાની પણ વાત કરી.

અલ-ઝઝીરાના પત્રકારે કહ્યું ફક્ત બે સેકંડમાં બધુ તબાહ થઈ ગયું. ગાઝામાં અલ-ઝઝીરા-એપી સહિત વિદેશી મીડિયાની ઑફિસ હતી તે ઇમારત ઇઝરાયલના હુમલામાં તબાહ.

ગાઝાપટ્ટીમાં એક બહુમાળી ઇમારત પર કરાયેલા ઇઝરાયલી હુમલા બાદ અમેરિકાએ ઇઝરાયલને કહ્યું છે કે તે પત્રકારોની સુરક્ષા સુનિશ્ચિત કરે.

વ્હાઇટ હાઉસનાં પ્રવક્તા જૅન સાકીએ ટ્વીટ કીને કહ્યું, "અમે સ્પષ્ટ રીતે ઇઝરાયલને કહ્યું છે કે તમામ પત્રકારો અને સ્વતંત્ર મીડિયાની સુરક્ષા સુનિશ્ચિત કરવી તેમની મહત્ત્વની જવાબદારી છે."

આ પહેલાં શનિવારે ઇઝરાયલના એક હવાઈ હુમલામાં ગાઝાની એક બહુમાળી ઇમારત જમીનદોસ્ત થઈ ગઈ હતી. આ ઇમારતમાં કેટલીય વિદેશી ન્યૂઝ ચેનલોનાં કાર્યાલયો હતાં.

અત્યાર સુધી આ હુમલામાં જાનની ખુવારીના કોઈ સમાચાર નથી.

(12:13 pm IST)