Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

કોરોનાકાળમાં ઇ-કોમર્સ કંપનીઓના કારણે મોબાઇલ ફોનની હજારો દુકાનો બંધ થઇ ગઇ

ઓનલાઇન કંપનીઓ આકર્ષક ઓફરો લાવી ધંધો ઝુટવી ગઇ : ૨૦૨૦ના પ્રારંભથી મોબાઇલ હેન્ડસેટની ૮ ટકા દુકાનોને તાળા લાગી ગયા

નવી દિલ્હી તા. ૧૬ : કોરોના મહામારી અને ત્યાર પછી જાહેર થયેલ લોકડાઉને મોબાઇલ હેન્ડસેટની રીટેલ બજારને બહુ ખરાબ અસર કરી છે. મહિનાઓ સુધી ધંધો બંધ રહ્યો અને ઇ-કોમર્સ કંપનીઓ ગ્રાહકોને લલચાવવા માટે આકર્ષક પેકેજ લાવતી રહી જેના લીધે છેલ્લા એક વર્ષમાં મોબાઇલ હેન્ડસેટની હજારો દુકાનો કાયમ માટે બંધ થઇ ગઇ.

બજારનું વિશ્લેષણ કરનાર પ્લેટફોર્મ પ્રિડીકટવ્યુ પાસેથી મળેલા આંકડાઓ અનુસાર દેશમાં ૨૦૨૦ની શરૂઆતથી જ મોબાઇલ હેન્ડસેટની લગભગ ૮ ટકા દુકાનો સંપૂર્ણપણે બંધ્ થઇ ગઇ હતી. આ દરમિયાન સૌથી વધારે દબાણ ઉત્તર ભારતીય બજાર પર રહ્યું, જે દેશના ચાર ક્ષેત્રોમાં સૌથી મોટું બજાર છે. વિશ્લેષકો અનુસાર ઉત્તર ક્ષેત્રમાં લગભગ ૧૦ ટકા દુકાનો બંધ થઇ ગઇ. સામાન્ય રીતે ઉત્તર ક્ષેત્રનું કુલ વેચાણમાં ૩૫ ટકા યોગદાન હોય છે.

કુલ મોબાઇલ વેચાણમાં લગભગ ૩૦ ટકા હિસ્સો ધરાવતા પશ્ચિમ ક્ષેત્રમાં ૯ ટકા દુકાનો અને દક્ષિણ ભારતમાં લગભગ ૬ ટકા દુકાનો બંધ થઇ છે. પૂર્વ ક્ષેત્ર મોબાઇલ ફોનના વેચાણમાં સૌથી નાનું છે તેમ છતાં ત્યાં પણ ત્રણ ટકા દુકાનોને તાળા લાગી ગયા છે. ઓલ ઇન્ડીયા મોબાઇલ રિટેલર્સ એસોસીએશન (એઆઇએમઆરએ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ ખુરાના અનુસાર જ્યારે રિટેઇલ વિક્રેતાઓ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે લડી રહ્યા હતા ત્યારે લોકડાઉન આવી ગયું. રિટેલ વિક્રેતાઓના એક મોટા વર્ગે ધંધો બંધ કરવાનું જ ઉચિત ગણ્યું કેમકે ધંધો ચલાવવાનો ખર્ચ તેમને પોસાય તેમ નહોતો.

ખુરાનાનો આક્ષેપ છે કે મોબાઇલ દુકાનદારોની વર્તમાન દુર્દશામાં ઇ-કોમર્સ કંપનીઓ અને મોબાઇલ ઉત્પાદકોની સાંઠગાંઠની મહત્વપૂર્ણ ભૂમિકા છે. ઝીઓમી જેવી મુખ્ય બ્રાન્ડ પોતાના સૌથી સારા ફોન ફકત ઓનલાઇન જ વેચે છે. એટલે ગ્રાહકો દુકાન પર આવતા જ નથી. ઉપરાંત ઇ-કોમર્સ કંપનીઓ ભારે છૂટ આપે છે જેની બરોબરી નાના દુકાનદારો કયારેય ન કરી શકે. દુકાનદારો પાંચ ટકા માર્જીને ધંધો કરે છે એટલે તેઓ કયારેય વધારે છૂટ ન આપી શકે.

(10:11 am IST)