Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

મોંઘવારીનો અનોખો વિરોધ

મહેંદી-હલ્દી લગાવી બેંક પહોંચ્યો વરરાજા : લગ્ન માટે લોન માંગી : પૈસા વગર શું કરવું ?

વરરાજાએ કહ્યું કે આટલી મોંઘવારીમાં એટલા પૈસા જ નથી બચ્યા કે લોન લીધા વિના લગ્ન કરી શકું : બેંકમાં લોન અપાવવા માટે કોંગ્રેસ નેતા તેના જમાનતદાર બન્યા : લગ્ન માટે પૈસાની જરૂરિયાત છે, બેંકમાં લોન માટે અરજી કરી છે

ભોપાલ,તા.૧૬:દેશનો સામાન્ય વ્યકિત મોંઘવારીના કારણે પરેશાન છે. જયારે કોરોના વાયરસની આ મહામારીના કારણે લોકોનું બજેટ પણ વિખેરાઈ ગયું છે. ત્યારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં મોંઘવારીનો વિરોધ કરવા એક વરરાજા બેંકમાં લોન લેવા માટે પહોંચ્યો હતો. વરરાજાએ કહ્યું કે આટલી મોંઘવારીમાં એટલા પૈસા જ નથી બચ્યા કે લોન લીધા વિના લગ્ન કરી શકું.

જયારે, બેંકમાં લોન અપાવવા માટે કોંગ્રેસ નેતા તેના જમાનતદાર બન્યા હતા. આ પ્રદર્શન કોંગ્રેસનું હતું. પણ, વરરાજા અસલી હતો. યુવકના લગ્ન થવા જઈ રહ્યા છે. તે લોન લેવા માટે બેંક પહોંચ્યો હતો. તેણે બેંકકર્મીઓને પૈસાની જરૂરિયાત જણાવી અને ત્યાં લોનનું ફોર્મ ભર્યું. આ દરમિયાન યુવકની સાથે આવેલા કોંગ્રેસ નેતા જમાનતદાર બન્યા. હવે કોંગ્રેસે આ ઘટનાને રાજકીય રંગ આપ્યો છે કારણકે વરરાજા કોંગ્રેસ સાથે જોડાયેલો છે!

ભોપાલમાં રહેતો અવતાર યાદવ નામનો વરરાજા કો-ઓપરેટિવ બેંકમાં લોન લેવા માટે પહોંચ્યો હતો. તેની સાથે કોંગ્રેસ નેતા મનોજ શુકલા પણ પહોંચ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ નેતાઓએ કહ્યું કે કેન્દ્ર સરકાર કોઈનું સાંભળી રહી નથી અને લોકો મોંઘવારીથી કંટાળ્યા છે. તેવામાં લોકોને લગ્ન માટે પણ લોન લેવી પડી રહી છે. વરરાજાના પિતાએ જણાવ્યું કે દીકરાના લગ્ન માટે ૨ લાખ રૂપિયાની જરૂર છે. માટે હું લોન લેવા માટે આવ્યો છું.

જયારે, વરરાજાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે અમે મોંઘવારીથી પરેશાન છીએ. કોરોનાના કારણે આર્થિક નુકસાન થયું છે તેવામાં લગ્ન માટે પૈસાની જરૂરિયાત છે. બેંકમાં લોન માટે અરજી કરી છે.

(10:15 am IST)