Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ફરી યુદ્ઘના ભણકારા!

ઈઝરાયેલે ગાઝા પર કર્યા હવાઈ હુમલા

ગત મહિને ૧૧ દિવસ સુધી ચાલેલા ઈઝરાયેલ-હમાસ યુદ્ઘનો અંત એક સીઝફાયર સાથે થયો હતો. પરંતુ ઈઝરાયેલ અને ગાઝા એકવાર ફરીથી આમને સામને આવી ગયા છે

તેલઅવીવ,તા. ૧૬: ગત મહિને ૧૧ દિવસ સુધી ચાલેલા ઈઝરાયેલ-હમાસ યુદ્ઘનો અંત એક સીઝફાયર સાથે થયો હતો. પરંતુ ઈઝરાયેલ અને ગાઝા એકવાર ફરીથી આમને સામને આવી ગયા છે. મળતી માહિતી મુજબ ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર ફરી એકવાર હુમલો કર્યો છે. ઈઝરાયેલે સીઝફાયરનો ભંગ કરતા ગાઝા તરફ રોકેટ છોડ્યા છે. જેને ૨૧ મેના રોજ થયેલા યુદ્ઘવિરામના અંત તરીકે જોવામાં આવી શકે છે. ઈઝરાયેલ દ્વારા કરાયેલો આ હુમલો સીઝફાયર સમજૂતિ બાદ સૌથી મોટી ઘટના છે.

આ હુમલા અંગે ઈઝરાયેલે કહ્યું કે જયારે હમાસ તરફથી ઈઝરાયેલ બાજુ ગોળા ફેકવામાં આવ્યા ત્યારે ઈઝરાયેલા આ હુમલો કર્યો છે. તેની બરાબર પહેલા હાલમાં જ ઈઝરાયેલી દક્ષિણપંથીઓએ પૂર્વ જેરૂસેલમ તરફ કૂચ કરી હતી જેમાં ખુબ ઉત્ત્।ેજક નારા પણ લાગ્યા હતા. જેના કારણે પેલેસ્ટાઈન ખુબ નારાજ થયું હતું.

અત્રે જણાવવાનું કે ૧૧ દિવસ ચાલેલા હમાસ અને ઈઝરાયેલી યુદ્ઘ એક દાયકાની અંદર ચોથુ યુદ્ઘ હતું. જેનો અંત ૨૧મી મે ૨૦૨૧ના રોજ એક સીઝફાયર સમજૂતિ હેઠળ થયો. આ સીઝફાયર સમજૂતિનો હવે અંત આવતો જોવા મળી રહ્યો છે. આ યુદ્ઘમાં ઈઝરાયેલ અને હમાસ બંને તરફથી ખુબ હવાઈ હુમલા થયા હતા. જેમાં ૨૫૦થી વધુ લોકો માર્યા ગયા હતા. જેમાંથી મોટાભાગના પેલેસ્ટાઈનના નાગરિકો હતા.

ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે એક નિવેદન આપતા કહ્યું કે તેના ફાઈટર વિમાનોએ ખાન યુનિસ અને ગાઝા શહેરમાં હમાસ દ્વારા સંચાલિત થતા મિલેટ્રી અડ્ડાઓ પર હુમલો કર્યો છે. ઈઝરાયેલ આર્મીએ કહ્યું કે આ જગ્યાઓ પર આતંકી ગતિવિધિઓ સંચાલિત થઈ રહી હતી અને ઈઝરાયેલ ફોર્સ કોઈ પણ સ્થિતિ માટે તૈયાર છે. પછી ભલે ગાઝી સ્ટ્રિપ તરફથી આતંકી ગતિવિધિઓના સ્વરૂપમાં યુદ્ઘની ફરીથી શરૂઆત કેમ ન હોય.

(10:16 am IST)