Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

નાના જવેલર્સને મળી મોટી રાહત

સમગ્ર દેશમાં નહિ પણ પ્રારંભે ૨૫૬ જીલ્લામાં હોલમાર્કિગ લાગુઃ ૧લી સપ્ટે. સુધી જવેલર્સને છુટ

નવી દિલ્હી, તા.૧૬: ગોલ્ડ હોલમાર્કિંગના નિયમો આજથી સમગ્ર દેશમાં એકસાથે લાગૂ નહીં થાય. અગાઉ જેમ જણાવ્યું હતું કે જવેલર્સે સરકારને કહ્યું છે કે તેઓ હાલ તેને સંપૂર્ણ રીતે લાગૂ કરવા માટે તૈયાર નથી. આ કડીમાં મગંળવારે સાંજે વાણિજય અને ગ્રાહકોના મામલાના મંત્રી પિયુષ ગોયલ અને જવેલર્સ વચ્ચે એક બેઠક થઈ. બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવાયા. જેમાં નક્કી થયું કે તેને એક સાથે લાગૂ નહીં પણ અનેક તબક્કામાં લાગૂ કરાશે. બીજું એ કે નાના જવેલરી ટ્રેડર્સને Gold Hallmarking ના દાયરામાંથી બહાર રાખવામાં આવ્યા છે. પિયુષ ગોયલે બેઠકમાં જાહેરાત કરી કે પહેલા તબક્કામાં એટલે કે ૧૬ જૂનથી દેશના ૨૫૬ જિલ્લામાં જ અનિવાર્ય હોલમાર્કિંગ લાગૂ થશે. જયાં હોલમાર્કિંગ સેન્ટર્સ પહેલેથી જ છે. તમામ જવેલરી ટ્રેડર્સને પોતાની પાસે પડેલા જૂના સ્ટોક પર હોલમાર્કિંગ માટે સરકારે ૨ મહિના સુધીનો એટલે કે ૧ સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. ત્યાં સુધીમાં તેમણે જૂના સ્ટોક પર હોલમાર્કિંગ કરાવી લેવાનું રહેશે. આ દરમિયાન કોઈ પણ વેપારી વિરુદ્ઘ કોઈ દંડ કે દંડાત્મક કાર્યવાહી કરાશે નહીં.

તમામ જવેલરી ડીલર્સે ફકત વન ટાઈમ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેને રેન્યૂ કરાવવાની પણ જરૂર નહીં રહે અને તે બિલકુલ ફ્રી રહેશે. આ ઉપરાંત કુંદન, પોલ્કી જવેલરી અને જવેલરીવાળી દ્યડિયાળો હોલમાર્કિંગના દાયરામાંથી બહાર રહેશે. આ સાથે જ ૪૦ લાખ સુધી વાર્ષિક ટનઓવરવાળા જવેલર્સ પણ હોલમાર્કિંગના દાયરામાંથી બહાર રહેશે. એટલે કે નાના જવેલર્સને સરકારે મોટી રાહત આપી છે. ઓગસ્ટના અંત સુધીમાં હોલમાર્કિંગના નિયમોનું પાલન કરવા પર કોઈ કાર્યવાહી થશે નહીં. આ સાથે જ સરકારે ૧૪, ૧૮, ૨૨ ઉપરાંત ૨૦, ૨૩ અને ૨૪ કેરેટ જવેલરીના હોલમાર્કિંગની પણ મંજૂરી આપી છે.

આ બેઠકમાં અન્ય વેપારી નેતાઓ ઉપરાંત અખિલ ભારતીય વેપારી સંદ્ય (CAIT)ના રાષ્ટ્રીય સચિવ અને અખિલ ભારતીય જવેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશન (AIJGF)ના રાષ્ટ્રીય સંયોજકે પણ ભાગ લીધો હતો. AIJGF સમગ્ર દેશમાં નાના જવેલર્સનું સૌથી મોટું સંગઠન છે. CAIT ના નેશનલ પ્રેસિડેન્ટ બી સી ભરતિયા અને જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે સરકારના આ પગલાંનું સ્વાગત કર્યું છે.

(10:58 am IST)