Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ચીખલીના પાટીદાર પરિવારની દિકરી નૈત્રીએ અમેરીકન નેવી ફોર્સમાં કારકીર્દી બનાવી

(કેતન ખત્રી) અમદાવાદ તા. ૧૬ : અમેરીકામાં વસતા મુળ ચીખલીના પાટીદાર સમાજની પુત્રીએ યુએસ નેવીમાં પસંદગી પામી ઝળહળતી કારકીર્દી બનાવી છે.

૧૦ અઠવાડીયા પહેલા ટ્રેનીંગ પૂર્ણ કરી અમેરીકન નેવીમાં નિમણુંક પામનાર નૈત્રી પટેલના પરિવારજનોમાં અનેરો ઉમંગ છવાયો છે.

અમેરીકાને કર્મભૂમિ બનાવનારા ગુજરાતીઓ હવે ત્યાં અલગ અલગ ક્ષેત્રોમાં ડંકો વગાડી રહ્યા છે. ખાસ કરીને હોટલ અને મોટલ વ્યવસાયમાં પર્યાય ગણાતા ગુજરાતીઓની ઓળખ હવે વ્હાઇટ હાઉસ સુધી પહોંચી ચુકી છે.

અમેરીકાના મીસીસીપી ખાતે વસતા નાના એવા પરિવારમાં ઉછરી ઉચ્ચ અભ્યાસ માટે પહોંચેલી ચીખલીના વાંઝણા ગામની પુત્રીએ ત્યાં જ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ યુએસ નેવીમાં જોડાવા નિર્ણય કર્યો. ૧૦ સપ્તાહની કડક ટ્રેનીંગ પૂર્ણ કરી યુએસ નેવીમાં સેઇલર તરીકે નિમણુંક પામી આ સ્વપ્ન સાકાર કરી બતાવ્યુ.

તેની આ નિમણુંકથી અમેરીકામાં વસતા ગુજરાતી પરિવારો અને ચીખલીમાં વસતા પાટીદાર સમાજમાં અનેરા ઉત્સાહની લાગણી પ્રસરી છે.

(3:27 pm IST)