Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

કેન્દ્રની નવી રસી નીતી ર૧ જુનથી અમલી : બાયોટેક ૧પ૦માં રસી આપવાનો ખર્ચ લાંબો સમય નહીં વહન કરી શકે

નવા ડેલ્ટા વેરીયન્ટમાં ફાઇઝર અને એસ્ટ્રાજેનેકાની રસી અનુક્રમે ૭૯ અને ૬૦ ટકા કારગર : હવે સીધુ રસીકરણ કેન્દ્રમાં નામ નોંધાવી શકાશેઃ કોવીન એપમાં પણ રજીસ્ટ્રેશન ચાલુ રહેશે

નવી દિલ્હી તા. ૧૬: કેન્દ્ર સરકારની નવી રસી નીતી યોગ દિવસ ર૧ જુનથી લાગુ થશે. તે પૂર્વે સ્વદેશી કોવેકસીન બનાવનાર કંપની ભારત બાયોટેકે સરકારી રેટ ઉપર હઠયોગ કર્યો છે. કંપનીએ જણાવેલ કે ૧પ૦ રૂપિયા પ્રતિ ડોઝના દરથી સરકારને રસી આપવાનો ખર્ચ લાંબા સમય સુધી નહીં ઉઠાવી શકે. નવી નીતીમાં રપ ટકા સ્ટોક રાજય સરકારનો સ્ટોક પણ પોતે ખરીદશે તેવી જાહેરાત કરેલ. જયારે બાકીના પ૦ ટકા પોતે ખરીદશે અને રપ ટકા પ્રાઇવેટ હોસ્પીટલને અપાશે.

કોવેકસીને વિકસીત કરવામાં કેન્દ્ર સરકારની સંસ્થા આઇસીએમઆર અને ઉનઆઇવી પુણે પણ સામેલ રહેલ. સૂત્રો મુજબ વેંચાણના પ ટકા રોયલ્ટી તેમને ચૂકવાશે કેન્દ્રએ મંગળવારે સ્પષ્ટ કરેલ કે ૧૮ થી વધુના યુવા વર્ગને રસી લગાવવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની જરૂર નથી. સીધા રસી કેન્દ્ર ઉપર જ નામ નોંધાવી શકાશે. જો કે કોવીન એપ પણ ચાલુ જ રહેશે.

કેન્દ્રએ કોરોનાના ડેલ્ટા પ્લસ વેરીઅન્ટને લઇને ચેતવ્યા છે. નીતિ આયોગના સભ્ય ડો. પોલે જણાવેલ કે બીજી લહેરનું કારણે ડેલ્ટા વેરીયન્ટ રહેલ. ૧૩ જુને સાર્વજનીક થયેલ ડેલ્ટા પ્લસ વેરીયન્ટને ગ્લોબલ ડેટાબેઝમાં મોકલ્યું છે. હજુ તેનાથી ખતરો નથી પણ સતર્કતા રાખવી જરૂરી હોવાનું ઉમેરેલ.

ફાઇઝર અને એસ્ટ્રાજેનેકાની વેકસીન કોરોનાના ડેલ્ટા વેરીયન્ટ સામે સારી સુરક્ષા પ્રદાન કરવા સક્ષમ છે. લેંસેટ જર્નલમાં પ્રકાશીત શોધમાં ઉપરોકત દાવો કરાયો છે. પબ્લીક હેલ્થ સ્કોટલેન્ડ અને યુકેના એડીન બર્ગ યુનિ.ના શોધકર્તાઓએ ૧ એપ્રીલથી ૬ જુન સુધી ૧૯પ૪૩ કેસનું વિશ્લેષ કરેલ. જેમાં ફાઇઝર ૭૯ અને એસ્ટ્રાજેનેકા ૬૦ ટકા સુરક્ષા આપવામાં મદદગાર છે. ડેલ્ટા સંક્રમણમાં હોસ્પીટલમાં દાખલ થવાનું જોખમ બે ગણું મળેલ.

(3:28 pm IST)