Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

યુપી : લોકડાઉનમાં મજૂરી બંધ, ખાવાનું ખતમ : જીવતા જ હાડપિંજર બની ગયા માતા અને ૫ બાળકો

છેલ્લા ૧૦ દિવસથી અનાજનો એક દાણો પણ પેટમાં નહોતો ગયો

નવી દિલ્હી,તા. ૧૬ : ઉત્તરપ્રદેશના અલીગઢ ખાતેથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે એક આખો પરિવાર ૨ મહિનાથી ભૂખ્યો છે. અને હાલ ૫ બાળકો અને માતા સહિત સમગ્ર પરિવારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મહિલાની સૌથી મોટી દીકરી જેના લગ્ન ગઇ ગયેલા છે તેને અને તેના પતિને જ્યારે ખબર પડી કે ઘરમાં બધાની તબિયત ખરાબ છે ત્યારે જમાઇએ ઘરના બધા સભ્યોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા.

દર્દીઓની સેવા કરતી કોઇ વ્યકિતએ મલખાનસિંહ જિલ્લા હોસ્પિટલના વોર્ડ નંબર ૮માં દાખલ પરિવાર અંગે એનજીઓને જાણ કરી હતી અને ત્યારબાદ હોસ્પિટલ પહોંચેલી એનજીઓ ટીમે તેમની મદદ કરી છે. જાણવા મળ્યા મુજબ  ૬ લોકોના આ પરિવારને કોઇ રોટલી આપે તો તેને ખાઇ ને પાણી પીને તેઓ દિવસો કાઢી રહ્યા હતા. પરંતુ સ્થિતી એવી સર્જાઇ કે છેલ્લા ૧૦ દિવસથી કોઇએ અનાજનો એક દાણો પણ નહોતો ખાધો. સતત ભૂખ્યા રહેવાના કારણે પરિવારની તબિયત ખરાબ થઇ ગઇ હતી.

૪૦ વર્ષીય મહિલાએ જણાવ્યું કે, તેના પતિનું અવસાન થયું હતુ. અને ત્યારથી જ આખો પરિવાર ભોજના એક એક દાણા માટે તરસી રહ્યો હતો. મહિલાને ૨૦,૧૫, અને ૫ વર્ષની ઉંમરના ૪ દીકરા અને ૧૩ વર્ષની એક દીકરી છે. પતિના અવસાન બાદ મહિલાએ એક ફેકટરીમાં મહિને ૪૦૦૦ રૂપિયાના પગારથી નોકરી સ્વીકારી હતી. પરંતુ લોકડાઉનના કારણે ફેકટરી બંધ થઇ ગઇ હતી. ત્યારબાદ તેણે અનેક ઠેકાણે કામ શોધ્યું હતુ પરંતુ કયાંય કોઇ કામ નહોતુ મળ્યું.

ધીમે-ધીમે ઘરમાં રહેલુ રાશન પુરૂ થઇ જતા તેઓ લોકો દ્વારા આપવામાં આવતા પેકેટ પર નિર્ભર રહેવા મજબૂર બન્યા હતા. લોકડાઉન ખુલ્યા બાદ મોટા દીકરાએ મજુરી શરૂ કરી હતી. અને જે દિવસે કામ મળે તે દિવસે રાશન પાણી આવી જતુ પરંતુ જ્યારે કામ ન મળે ત્યારે ભૂખ્યા રહેવું પડતું.

ભૂખ્યા રહેવાના કારણે દીકરીની તબિયત બગડી હતી અને ધીમે-ધીમે પરિવારના અન્ય સદસ્યો પણ બીમારીની લપેટમાં આવ્યા હતા. કોરોનાની બીજી લહેર વખતે મોટા દીકરાને કામ મળતુ બંધ થઇ ગયું અને સ્થિતી વધુ ખરાબ થવા લાગી હતી. છેલ્લા ૨ મહિનાથી ભરપેટ ભોજન ન મળવાના કારણે સૌ કોઇ તાવ સહિતની બીમારીઓથી પીડાવા લાગ્યા હતા જેથી ઘરની બહાર નીકળવાનું બંધ થઇ ગયું હતું. આજુબાજુના લોકો કશુ ખાવા આપે તો કામ ચાલી જતુ હતું નહીં તો પાણી પીને ભૂખ્યા સૂઇ જતા હતા.

(4:04 pm IST)