Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

રામ મંદિર ટ્રસ્ટમાં ભ્રષ્ટાચારીઓ સામેલ છે : આરોપોને કારણે ગરીમાને નુકશાનઃ સ્વરૂપાનંદજી

રામ મંદિર જમીન વિવાદમાં કુદયા શંકરાચાર્ય : 'મંદિરનું શિલાન્યાસ અત્યંત અશુભ મુહૂર્તમાં કરવામાં આવ્યું': શંકરાચાર્યએ રામ મંદિર જમીન વિવાદ બાબતે સરકાર પર આકરા પ્રહાર કર્યા

છિંદવાડા, તા.૧૬: રામ મંદિર જમીન વિવાદને લઈને ખુબ રાજનીતિ થઈ રહી છે. જમીનની ખરીદી પર અને સવાલો ઉભા થઈ રહ્યા છે. નેતાઓ તો આ મુદ્દે પોતાના અભિપ્રાય આપી જ રહ્યા છે, પરંતુ દ્વીપીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ પણ જયોતેશ્વરમાં શ્રી રામનજન્મ ભૂમિ અયોધ્યામાં થઈ રહેલા મંદિર નિર્માણના ટ્રસ્ટ પર પ્રશ્ન કરીને આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી પર ખુબ નિશાન સાધ્યા છે.

શંકરાચાર્યએ કહ્યું કે, ટ્રસ્ટ સરકાર તરફથી બનાવવામાં આવ્યું છે. તેમાં ભ્રષ્ટાચારીઓને શામેલ કરવામાં આવ્યા છે. ચંપત રાય કોણ છે તે પહેલા કોઈ નહોતું જાણતું પરંતુ હવે તેમને રામ મંદિર ટ્રસ્ટમાં સર્વે સર્વા બનાવી દેવામાં આવ્યા છે. આ પહેલા શંકરાચાર્યએ નામ લીધા વિના જ કેન્દ્રની મોદી સરકાર પર ગૌહત્યા પ્રતિબંધ ના કરવા બાબતે પણ નિશાન સાધ્યું છે.

શંકરાચાર્યએ કહ્યું કે, જયારે સંસદમાં તેમની સંખ્યા બે હતી ત્યારે ગૌહત્યા પ્રતિબંધ માટે સંઘર્ષ કરવામાં આવ્યો. પરંતુ હવે જયારે સંસદમાં સંખ્યા ૨૦૦થી વધારે થઈ ગઈ ત્યારે ગૌહત્યા પ્રતિબંધનો નારો ભૂલી ગયા. આ સિવાય શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ મંદિરના શિલાન્યાસ પર પણ પ્રશ્નો કર્યા છે. તેમણે કહ્યું કે, શ્રી રામ મંદિર નિર્માણનું શિલાન્યાસ કરતી વખતે શુભ મુહૂર્તને ધ્યાનમાં લેવામાં નથી આવ્યું. મંદિરનું શિલાન્યાસ અત્યંત અશુભ મુહૂર્તમાં કરવામાં આવ્યું છે. અમે તેનો વિરોધ પણ કર્યો પરંતુ કોઈએ ધ્યાન નહોતુ આપ્યું. આ જ કારણે ન્યાસીઓની બુદ્ઘિ ભ્રષ્ટ થઈ રહી છે. જેનું ઉદાહરણ પ્રત્યક્ષ રુપે જોઈ શકાય છે.

(4:05 pm IST)