Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

નિયમોના પાલનમાં ટવીટર નિષ્ફળ રહ્યું: કાયદાકીય સુરક્ષા મેળવવા હકદાર નહીઃ રવિશંકર પ્રસાદ

૨૬ મેથી લાગુ થયેલા નવા આઇટી કાયદાઓનું પાલન કરવામાં ટવીટર નિષ્ફળ રહ્યું છે

નવી દિલ્હી, તા.૧૬: ભારતમાં માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટરને મળેલું કાયદાકિય સંરક્ષણ હવે ખતમ થઈ ગયું છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદએ એક પછી એક ટ્વીટ કરીને આ મામલા પર સરકારનું વલણ સ્પષ્ટ કર્યું. પ્રસાદે કહ્યું કે, આ વાતને લઈ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે કે શું ટ્વીટર ભારતમાં કાયદાકિય સુરક્ષા મેળવવા હકદાર છે? આ મામલાનું સાધારણ તથ્ય એ છે કે ટ્વીટર ૨૬ મેથી લાગુ થયેલા નવા આઇટી કાયદાઓનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યું છે.

નોંધનીય છે કે, ટ્વીટરના કાયદાકિય સંરક્ષણ ખતમ થવાને લઈ કેન્દ્ર સરકારે કોઈ પણ આદેશ જાહેર નથી કર્યો. મળતી માહિતી મુજબ સરકાર દ્વારા બનાવવામાં આવેલા નિયમનું પાલન નહીં કરવાના કારણે આ કાયદાકિય સંરક્ષણ આપ-મેળે ખતમ થયું છે. કાયદાકિય સંરક્ષણ ૨૫ મેથી ખતમ માનવામાં આવ્યું છે.

ટ્વીટરને આ કાયદાકિય સંરક્ષપ્ણ આઇટી એકટની કલમ ૭૯ હેઠળ મળી રહ્યું હતું. આ કલમ ટ્વીટરને કોઈ પણ કાયદાકિય કાર્યવાહી, માનહાનિ કે દંડથી છૂટ આપતી હતી. કાયદાકિય સંરક્ષણ ખતમ થતાં જ ટ્વીટરની વિરુદ્ઘ પહેલો મામલો ઉત્ત્।ર પ્રદેશના ગાજિયાબાદમાં નોંધવામાં આવ્યો છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે ટ્વીટરને સરકાર તરફથી અનેક તકો આપવામાં આવી હતી. પરંતુ ટ્વીટર દર વખતે નિયમોનું અવગણતું રહ્યું.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ભારતની સંસ્કૃતિ પોતાની વિશાળ ભૌગોલિક સ્થિતિની જેમ બદલતી રહે છે. સોશિયલ મીડિયામાં એક નાનો તણખો પણ મોટી આગનું કારણ બની શકે છે. ખાસ કરીને ફેક ન્યૂઝનો ખતરો વધારે છે. તેની પર કન્ટ્રોલ કરવા અને તેને રોકવા માટે નવા આઇટી નિયમોમાં મહત્ત્વપૂર્ણ નિયમ હતા, જેનું પાલન ટ્વીટરે નથી કર્યું.

રવિશંકર પ્રસાદે કહ્યું કે, આ આશ્ચર્યજનક છે કે ટ્વીટર જે પોતાને અભિવ્યકિતની સ્વતંત્રતાના પક્ષકાર તરીકે ચિત્રિત કરે છે અને કાયદાના અમલની વાત કરે છે, તેણે જ આઇટી નિયમોને ગણકાર્યા નથી.

(4:09 pm IST)