Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

GST રિફંડ મંજૂર કે રદ કરવાનાં કારણો જણાવવા હવે અધિકારીઓને અલ્‍ટીમેટમ

રિફંડના કેસમાં અધિકારીઓની જવાબદારી નક્કી થશે

મુંબઇ,તા. ૧૬: જીએસટી રિફંડના કેસમાં તેને મંજૂરી આપવામાં આવે કે તેને રદ કરવામાં આવે તો તે માટે ફરજિયાત કારણો રજૂ કરવા માટે અધિકારીઓને સીબીઆઇસીએ આદેશ કર્યો છે. તેના કારણે આડેધડ રિફંડ મંજૂર કરવાના કે નામંજૂર કરવામાં અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની સાથે તેઓ સામે કાર્યવાહી થવાની પણ શક્‍યતાઓ ઊભી થઇ છે.

જીએસટી લાગુ થયા બાદ વેપારીઓને પડતી તકલીફ દૂર કરવા માટેના પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે જ સીબીઆઇસી (સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેક્‍સ એન્‍ડ કસ્‍ટમ)એ હાલમાં જ એક આદેશ જારી કરીને જીએસટીના અધિકારીઓને રિફંડ કયા કારણોસર પાસ કરવામાં આવ્‍યું અથવા તો કયા કારણોસર રદ કરવામાં આવ્‍યું તેની વિગતો જણાવવી પડશે. તેમજ આ માટે કઇ કઇ બાબતોની ચકાસણી કરવામાં આવી તેની પણ વિગતો દર્શાવવા માટેના આદેશ કર્યા છે. આ માટેના આદેશ કરવા પાછળનું કારણ એવું પણ છે કે જીએસટી વિભાગ દ્વારા જયારે ઓડિટ કરવામાં આવે ત્‍યારે અધિકારીઓએ કયા કારણોસર રિફંડને મંજૂરી આપી છે તેની ઊલટતપાસ સરળતાથી કરી શકે અથવા તો કયા કારણોસર રદ કરવામાં આવ્‍યું તેની પણ જાણકારી ઓડિટની તપાસમાં અધિકારીઓને મળી રહે તે માટે આ નિયમ પહેલી વખત લાગુ કરવામાં આવ્‍યો છે. તેમજ અધિકારીઓની આડોડાઇને કારણે રિફડ મંજૂર કરી દેવાના કેસમાં પણ આગામી દિવસોમાં ઘટાડો થવાની શક્‍યતા રહેલી છે. (૨૨.૫)

વેપારીઓની પડતી તકલીફ ઓછી થશે

સીબીઆઇસીએ આ નિયમ લાગુ કરવાના કારણે વેપારીઓને અનેક ઘણી રાહત થવાની છે કારણ કે કેટલાક કિસ્‍સાઓમાં રિફંડ આપવાનું હોવા છતાં તેને નામંજૂર કરી દેવામાં આવતુ હોય છે પરંતુ તેમાં અધિકારીઓની જવાબદારી નક્કી થતી નહોતી. જ્‍યારે હવેથી અધિકારીઓની પણ જવાબદારી નક્કી થવાના કારણે વેપારીઓને થતી મુશ્‍કેલી ઓછી થવાની શક્‍યતા રહેલી છે

(10:03 am IST)