Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

કોરોના પછી પણ ભારતીયોને નથી ભવિષ્‍યની ચિંતા : માત્ર ૨૭% લોકો પાસે વીમો-ઇમરજન્‍સી ફંડ

મોટાભાગના ભારતીયો પાસે પુરતુ ઇમરજન્‍સી ફંડ અને ઇન્‍શ્‍યોરન્‍સ નથી : રોકાણ માટે હજી પણ FD અને ઇન્‍શ્‍યોરન્‍સ જ લોકોની પહેલી પસંદ

નવી દિલ્‍હી,તા. ૧૬: ફાઈનાન્‍શિયલ એજયુકેશન ફર્મ ફિનસેફ ઈન્‍ડિયાના એક સર્વેમાં આ તથ્‍યો સામે આવ્‍યાં છે. સર્વે પરથી સામે આવ્‍યું છે કે ફાઈનાન્‍શિયલ પ્‍લાનિંગ મોટાભાગના લોકોની પ્રાથમિકતામાં સામેલ જ નથી. રોકાણ માટે હજી પણ ફિક્‍સ્‍ડ ડિપોઝીટ અને ઈન્‍શ્‍યોરન્‍સ જ લોકોની પહેલી પસંદ છે. મીડિયાના એક રિપોર્ટ મુજબ સર્વેમાં ૫૭૬૯ પગારદાર કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્‍યો હતો. સર્વેમાં સમાવેશ કરાયેલા ૨૭ ટકા લોકોની પાસે મેડિકલ ઈમરજન્‍સી અથવા નોકરી ગુમાવવા જેવી સ્‍થિતિમાંથી બહાર આવવા માટે પૂરતુ ફંડ અને ઈન્‍શ્‍યોરન્‍સ છે. ૪૫ ટકા લોકોએ માન્‍યું કે જો તેમની નોકરી અચાનક છૂટી જાય છે તો તેમના ખર્ચા ચલાવવા માટે પૂરતા પૈસા નથી. ૫૬ ટકા લોકોનુ માનવુ છે કે ફાયનાન્‍શિયલ પ્‍લાનિંગ ઘણુ કપરું કામ છે.

૨૯ ટકા લોકોએ માન્‍યું કે તેઓ પોતાના વૃદ્ધ માતા-પિતાની સંભાળ કરવામાં આર્થિક રીતે સક્ષમ નથી. સર્વેમાં સામેલ ૫૨ ટકા લોકોએ માન્‍યું કે મેડિકલ ઈમરજન્‍સી માટે તેઓ એમ્‍પ્‍લોયર દ્વારા કરાવવામાં આવેલા હેલ્‍થ ઈન્‍શ્‍યોરન્‍સ પર જ નિર્ભર છે. ૨૧ ટકા લોકો તો મેડિકલ ઈમરજન્‍સીનો સામનો કરવા માટે આર્થિક રીતે બિલ્‍કુલ પણ સક્ષમ નથી.

સર્વેમાં સમાવેશ કરાયેલા લોકોને તેમના દ્વારા થતી બચત માટે અપનાવવામાં આવેલા સાધનો અંગે પણ પૂછવામાં આવ્‍યું હતુ. ૪૧ ટકા લોકોનુ કહેવુ હતુ કે તેઓ ઈક્‍વિટીમાં રોકાણ કરે છે. તો ૩૫ ટકા લોકો ફિક્‍સ્‍ડ ડિપોઝીટ અને ઈન્‍શ્‍યોરન્‍સ પોલિસીમાં રોકાણ કરે છે. મહત્‍વનુ છે કે, સર્વેમાં સમાવેશ કરાયેલ ૭૧ ટકા લોકો ફાઇનાન્‍શિયલ પ્‍લાનિંગ, મ્‍યુચ્‍યુઅલ ફંડ અને ટેક્‍સેશન અંગે વિસ્‍તારપૂર્વક શિખવા માગે છે. આ ઉપરાંત તેઓ વધુ બચત કેવીરીતે કરે અને પોતાનુ બજેટ બનાવવા માટેના ગુણ પણ જાણવા માટે ઉત્‍સુક છે. 

(9:50 am IST)