Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

હવાઈ મુસાફરી ૧૫ ટકા સુધી મોંઘી થઈ શકે છે

ATFની કિંમતમાં ફરી મોટો વધારો

નવી દિલ્‍હી, તા.૧૬: જેટ ફયુઅલ પ્રાઈસ ઓલ ટાઈમ હાઈઃ રિપોર્ટ અનુસાર છેલ્લા છ મહિનામાં એર ઈંધણની કિંમતમાં ૯૧ ટકાનો વધારો થયો છે. આ નવા ફેરફાર બાદ રાજધાની દિલ્‍હીમાં ATFની કિંમત ૧.૪૧ લાખ રૂપિયા પ્રતિ કિલોલીટરના રેકોર્ડ સ્‍તરે પહોંચી ગઈ છે.

ગુરુવારે હવાઈ પ્રવાસીઓ માટે ચોંકાવનારા સમાચાર છે. વાસ્‍તવમાં, જેટ ફયુઅલ અથવા એર ટર્બાઇન ફયુઅલ (ATF)ની કિંમતમાં ફરી એકવાર જોરદાર વધારો કરવામાં આવ્‍યો છે. તેની કિંમતોમાં ૧૬.૩ ટકાનો વધારો કરવામાં આવ્‍યો છે. નોંધપાત્ર રીતે, માર્ચ ૨૦૨૨ પછી આ સૌથી મોટો વધારો છે. આ સાથે જેટ ફયુઅલની કિંમત નવા રેકોર્ડ સ્‍તરે પહોંચી ગઈ છે.

રિપોર્ટ અનુસાર છેલ્લા છ મહિનામાં હવાઈ ઈંધણની કિંમતમાં ૯૧ ટકા સુધીનો વધારો થયો છે. આ નવા ફેરફાર બાદ રાજધાની દિલ્‍હીમાં ATFની કિંમત ૧.૪૧ લાખ રૂપિયા પ્રતિ કિલોલીટરના રેકોર્ડ સ્‍તરે પહોંચી ગઈ છે. જણાવી દઈએ કે આ વર્ષે ૧૬ માર્ચે એટીએફમાં સૌથી વધુ ૧૮.૩ ટકાનો વધારો થયો હતો. ત્‍યારબાદ ૧ એપ્રિલે પણ ભાવમાં બે ટકાનો વધારો થયો હતો. આ સિવાય ૧૬ એપ્રિલે ૦.૨ ટકા અને ૧ મેના રોજ ૩.૨૨ ટકાનો વધારો થયો હતો.

અત્રે જણાવી દઈએ કે, સળંગ દસ વધારા બાદ ૧ જૂને એરક્રાફ્‌ટ ઈંધણના ભાવમાં ૧.૩ ટકાનો નજીવો ઘટાડો કરવામાં આવ્‍યો હતો. પરંતુ, હવે ફરી તેની કિંમતમાં આગ લાગી છે અને એવી અપેક્ષા છે કે આગામી દિવસોમાં હવાઈ મુસાફરી વધુ મોંઘી થઈ શકે છે. નોંધપાત્ર રીતે, એટીએફ પરનો ખર્ચ એરક્રાફ્‌ટ ઓપરેશનનો મોટો હિસ્‍સો ધરાવે છે, જે લગભગ ૪૦ ટકા છે. આવી સ્‍થિતિમાં, તેમાં વધારાને કારણે, મુસાફરોના ભાડામાં પણ વધારો થવાની સંભાવના છે.

એટીએફના ભાવમાં તીવ્ર વધારા પછી તરત જ, સ્‍પાઈસજેટના સીએમડી અજય સિંઘે જણાવ્‍યું હતું કે જેટ ઈંધણના ભાવમાં તીવ્ર વધારો અને રૂપિયાના અવમૂલ્‍યનને કારણે સ્‍થાનિક એરલાઈન્‍સ પાસે તાત્‍કાલિક ભાડામાં વધારો કરવા સિવાય કોઈ વિકલ્‍પ બચ્‍યો નથી અને અમે માનીએ છીએ કે તાકીદે ભાડાં વધારવાની જરૂર છે. ભાડામાં ઓછામાં ઓછો ૧૦ થી ૧૫ ટકાનો વધારો કરો જેથી કામગીરીનો ખર્ચ યોગ્‍ય રહે.

(10:37 am IST)