Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

વૃધ્‍ધો લાંબા સમય સુધી કામ કરવા માટે ઈચ્‍છુક

કોરોના બાદ વૃદ્ધોની આવક, સ્‍વાસ્‍થ્‍ય, સુરક્ષા અને જીવનશૈલીમાં આવેલા વ્‍યાપક અંતરને સમજવા હેલ્‍પેજ ઇન્‍ડિયાનો મહત્‍વનો સર્વે : પોતાના જ કરે છે દુર્વ્‍યવહાર : ૪૦ ટકા ખુદને આર્થિક રીતે અસુરક્ષિત મેહસૂસ કરે છેᅠ

નવી દિલ્‍હી તા. ૧૬ : ભારતમાં કુલ વૃદ્ધોની વસ્‍તી ૧૩૮ મિલિયન છે. આ દેશની કુલ વસ્‍તીના ૧૦ ટકા છે. હેલ્‍પએજ ઈન્‍ડિયા દ્વારા કોરોના પછી વૃદ્ધોની આવક, આરોગ્‍ય, સલામતી અને જીવનશૈલીમાં વિશાળ અંતરને સમજવા માટે એક સર્વે હાથ ધરવામાં આવ્‍યો હતો. તેમાં જાણવા મળ્‍યું કે દેશમાં ૭૧ ટકા વૃદ્ધો કોઈપણ પ્રકારનું કામ નથી કરી રહ્યા, જયારે ૩૬ ટકા કામ કરવા તૈયાર છે અને તેમાંથી ૪૦ ટકા એવા છે જેઓ મહત્તમ ઉંમર સુધી કામ કરવા માગે છે. તે જ સમયે, ૬૧ ટકા વૃદ્ધો માને છે કે દેશમાં તેમના માટે પૂરતી અને સુલભ રોજગારની તકો નથી.

‘અન્‍ડરસ્‍ટેન્‍ડીંગ એલ્‍ડર નીડ્‍સ' અનેક તથ્‍યોને ઉજાગર કરે છે, જેમ કે હાલમાં દેશમાં કેટલા વૃદ્ધો કામ કરવા માગે છે. જયારે પૂછવામાં આવ્‍યું કે વરિષ્ઠોની સ્‍થિતિ સુધારવા માટેના વિકલ્‍પો શું હોઈ શકે, ૪૫ ટકાએ ઘરેથી કામ કરવાનું સૂચન કર્યું અને ૨૯ ટકાએ નિવૃત્તિની ઉંમર વધારવી.

મૌખિક દુર્વ્‍યવહાર, ઉપેક્ષા અને આર્થિક દુર્વ્‍યવહાર એ વૃદ્ધોના દુર્વ્‍યવહારના મુખ્‍ય સ્‍વરૂપો છે. ૫૯ ટકા વૃદ્ધોને લાગે છે કે સમાજમાં વૃદ્ધો સાથે ખરાબ વ્‍યવહાર કરવામાં આવે છે. માત્ર ૧૦ ટકા વૃદ્ધોએ દુર્વ્‍યવહારનો ભોગ બન્‍યા હોવાનું સ્‍વીકાર્યું છે. વડીલોને હેરાન કરનારા ત્રણ મુખ્‍ય સગાં (૩૬ ટકા), પુત્રો (૩૫ ટકા) અને પુત્રવધૂ (૨૧ ટકા) છે. રિપોર્ટનો ચોંકાવનારો આંકડો એ છે કે ૧૩ ટકા વૃદ્ધોએ માર મારવા અને થપ્‍પડના રૂપમાં શારીરિક શોષણનો સામનો કરવો પડ્‍યો હતો.

જાપાનમાં લોકો નિવૃત્તિના ૬૦ વર્ષ પછી ઓછા પગાર પર ‘સતત રોજગાર' તરીકે ફરી જોડાઈ શકે છે. જર્મનીમાં વૃદ્ધોને નોકરી પર રાખવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે, કારણ કે ૨૦૧૨માં નિવૃત્તિની વય ૬૫ વર્ષની હતી, જે ૨૦૨૯માં વધારીને ૬૭ વર્ષ કરવામાં આવશે. ‘ઇનિશિયેટિવ ૫૦ પ્‍લસ' પ્રોગ્રામ જર્મનીમાં ચલાવવામાં આવે છે. તે વૃદ્ધોને તાલીમ અને આજીવન શિક્ષણ પ્રદાન કરે છે.

(10:45 am IST)