Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

કેટલાક રાજયોના પેટ્રોલ પંપો પર કેમ થઇ પેટ્રોલ ડીઝલની અછત??

પેટ્રોલીયમ મંત્રાલયે જણાવ્‍યા કારણો : પેટ્રોલ-ડિઝલ પુરતા પ્રમાણમાં પણ સ્‍થાનિક સ્‍તરે પરિવહનની મુશ્‍કેલીના કારણે તફલીફ

નવી દિલ્‍હીઃ કેન્‍દ્ર સરકારે કહયું કે ખાનગી કંપનીઓ દ્વારા મુકાયેલ કાપના કારણે જાહેર ક્ષેત્રની ઓઇલ કંપનીઓ સાથે જોડાયેલ પેટ્રોલપંપો પર દબાણ વધ્‍યુ છે. આના લીધે ઘણાં રાજયોમાં પેટ્રોલ પંપો પર  પેટ્રોલ-ડીઝલની અછતનું સંકટ ઉત્‍પન્ન થઇ ગયું છ.ે પેટ્રોલીયમ મંત્રાલયનું કહેવું છે કે વધારાની માંગને પુરી કરવા માટે પુરતા પ્રમાણમાં સપ્‍લાય કરાઇ રહયો છે.

મંત્રાલયે સ્‍વીકાયું કે માંગ વધવાના કારણે જાહેરક્ષેત્રની કંપનીઓ પુરતો સપ્‍લાય નથી કરી શકતી જેના લીધે ગ્રાહકોની તકલીફો વધી છે. મંત્રાલયનું કહેવું છે કે રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ અને કર્ણાટકમાં પેટ્રોલ-ડીઝલનુ઼ં મોટા ભાગનું વેચાણ ખાનગી કંપનીઓના પેટ્રોલ પંપો દ્વારા થાય છે. પણ ખાનગી કંપનીઓએ સપ્‍લાયમાં કાપ મૂકયો છે. આ ઉપરાંત આ રાજયોમાં ઓઇલ ટર્મીનલ અને ડીપો વધારે દૂર આવેલા છે જેના કારણે પેટ્રોલ પંપો પર સપ્‍લાયમાં મોડું થાય છે.

સરકારી ઓઇલ કંપની ઇન્‍ડીયન ઓઇલ, હિંદુસ્‍તાન પેટ્રોલીયમ  અને ભારત પેટ્રોલીયમ ક્રુડની સરખામણીમાં પેટ્રોલ ડીઝલના ભાવો નથી વધારી રહી. આ કંપનીઓ પેટ્રોલ ૧૪થી ૧૮ રૂપિયા પ્રતિલીટર અને ડીઝલ ૨૦થી ૨૫ રૂપિયા પ્રતિલીટર ખોટ ખાઇને વેચી રહી છે. નાયરા એનર્જી, જીયો બીપી અને શેલ જેવી ખાનગી કંપનીઓ આ ખોટ સહન કરવાની સ્‍થિતીમાં નથી.

 ઇન્‍ડિયન ઓઇલના પેટ્રોલ પંપો પર પેટ્રોલ-ડીઝલની કોઇ અછત નથી. જો કે ભારતના પેટ્રોલીયમ અને હિન્‍દુસ્‍તાન પેટ્રોલીયમના પંપો પર સપ્‍લાયમાં તકલીફ છે. આ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે માંગ મુજબ દેશમાં પુરતા પેટ્રોલ-ડીઝલ છે પણ સ્‍થાનિક કેટલાક સ્‍તરે પરિવહનની મુશ્‍કેલીઓના કારણે તકલીફ ઉભી થઇ છે. આ ઉપરાંત કેટલાક રાજયોમાં સ્‍થાનિક ચૂંટણીઓની ગતિવિધીના કારણે પણ માંગ વધી છે.

(3:54 pm IST)